હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઇ રહી છે. જેને લઇ આગામી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને આકાર વાદળછાયું બનશે અને બુધવારે તથા ગુરુવારે ઉ.ગુ.માં ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એકબાજુ, ખેડૂતો ચોમાસુ પાકમાં સતત વરસાદના કારણે ભલીવાર આવી ન હોઇ શિયાળુ પાક સારો પાકવાની આશામાં વાવણીની તૈયારીમાં લાગ્યો છે, ત્યાં હજુયે કમોસમી વરસાદની સંભાવનાને લઇ ચિંતામાં મુકાયો છે. સામાન્ય રીતે 15 નવેમ્બર બાદ ઠંડીની શરૂઆત થાય છે. ત્યારે ચાલુ વર્ષે પહેલાં ક્યાર અને પછી મહા વાવાઝોડાના કારણે હવામાનમાં ખાસ્સો ફેરફાર નોંધાયો છે. છેલ્લા એક માસમાં મહા વાવાઝોડા તથા અપરએર સાયકલોનિકની અસર વર્તાતાં કમોસમી વરસાદની સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યાં આગામી બુધવાર તથા ગુરુવારે અરબી સમુદ્રમાં સર્જાયેલા અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. જેમાં બુધવારે બનાસકાંઠા, પાટણ તથા મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ગુરુવારે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ અસરના ભાગરૂપે આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને લઇ ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.