અયોધ્યાના ચુકાદા મુદ્દે અમદાવાદમાં આજે 144ની કલમ લાગુ, પોલીસ અધિકારીઓની રજાઓ રદ

શનિવાર, 9 નવેમ્બર 2019 (13:29 IST)
શનિવારે સવારે સાડા દસ વાગ્યે અયોધ્યાનો ચુકાદો જાહેર થવાનો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસની રજાઓ રદ કરી દીધી હતી ઉપરાંત કોર્ટ ડ્યૂટીમાં પોલીસને નહીં જવા પણ તાકીદ કરી હતી.બીજી તરફ શહેરમાં કલમ 144 લાગુ કરાઇ છે જેથી જાહેર ચાર રસ્તા પર ચાર લોકોથી વધુ ભેગા થઇ શકશે નહીં. શુક્રવારે મોડી રાત્રે જ અસામાજિક તત્ત્વોને પકડવા માટે કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત હોટેલ ચેકીંગ પણ કરવામાં આવ્યુ હતુ.શનિવારે સવારથી જ શહેરની તમામ પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. દરેક પોલીસ સ્ટેશનોને વધારાના વ્હીકલો પણ રિક્વિઝેટ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. ફુટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, પેટ્રોલીંગન પોઈન્ટ, એસઆરપીના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. દરેક ઝોનના ડીસીપીને પણ સવારથી પોલીસ પેટ્રોલિંગમાં નીકળવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આશિષ ભાટિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ક્રાઈમબ્રાન્ચ સાથે કવીક રિસ્પોન્સ ટીમ તહેનાત કરવામાં આવી છે. લાઠી, હેલ્મેટ સહિતના સાધનો લઈને જ નીકળવા માટે પણ પોલીસને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સાયબર ક્રાઈમને પણ સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 9, 10, 11 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. ભાજપના જિલ્લાવાર સ્નેહમિલનો, સંગઠન મંડળની રચના, અન્ય તમામ કાર્યક્રમો ત્રણ દિવસ માટે મોકુફ રખાયા છે. તમામ કાર્યકર્તાઓને અપિલ કરતા વાઘાણીએ જણાવ્યું કે, રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે તે સ્વિકારવાનો રહશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર