ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. ગુજરાતમાં કોંગ્રેસ સાવ સાફ થઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની હકાલપટ્ટી કરીને શક્તિસિંહ ગોહિલના હાથમાં કોંગ્રેસની કમાન સોંપી છે. ત્યારે હવે આજે શક્તિસિંહ પદભાર સંભાળે તે પહેલાં જ દિલ્હીથી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને તેડું આવ્યું છે. રાજ્યના સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ બેસાડવા દિલ્હીમાં બેઠક યોજાશે. તે ઉપરાંત લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ પણ ઘડાશે.
ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ છે. વિધાનસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસની ટીકિટોને વેચવામાં આવી હોવાનો કોંગ્રેસની સત્ય શોધક કમિટીએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. તે ઉપરાંત સિનિયર નેતાઓ વચ્ચે વધી રહેલી ગળાકાપ સ્પર્ધામાં કોંગ્રેસનું સંગઠન હવે સાવ નબળુ પડી ગયું છે. ત્યારે હાઈકમાન્ડે હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવીને તેમની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. ગઈકાલે શક્તિસિંહે અમદાવાદમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ આજે રથયાત્રાના દિવસે પદભાર સંભાળવાના છે.
shakti singh gohil
શક્તિસિંહ પદભાર સંભાળે તે પહેલાં જ હાઈકમાન્ડે ગુજરાતના સિનિયર નેતાઓને દિલ્હી બોલાવ્યાં છે. જેમાં સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ નહીં હોવાથી પાર્ટીને મોટુ નુકસાન ભોગવવુ પડ્યું હોવાનું હાઈકમાન્ડનું માનવું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા જેવા સિનિયર નેતાઓ આજે દિલ્હી જશે. જ્યાં તેમની સાથે હાઈકમાન્ડ બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં પડી ભાંગેલુ સંગઠન ફરી બેઠુ કરવા માટે નેતાઓને સૂચનાઓ અપાશે. તે ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને પણ ચર્ચાઓ કરાશે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જોડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં પરાજય પાછળ આમ આદમી પાર્ટી પર આંગળીયો ચિંધવામાં આવે છે પરંતુ કોંગ્રેસના સ્થાનિક અને સિનિયર નેતાઓ વચ્ચે વધી રહેલી ટાંટિયાખેંચને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોવાનું પણ જુના કાર્યકરો જણાવી રહ્યાં છે.