બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં અહીં ‘સાંબેલાધાર વરસાદ’, હવામાન વિભાગે કરી આગાહી

સોમવાર, 19 જૂન 2023 (08:11 IST)
વાવાઝોડું બિપરજોય ગુજરાતમાં કેર વરતાવી આગળ નીકળી ગયું. વાવાઝોડાના આગમન પહેલાંથી માંડીને અમુક દિવસ સુધી લગભગ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અને પવનનું જોર જોવા મળ્યું હતું.
 
દિવસો સુધી ગુજરાતના કાંઠા વિસ્તારો સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
 
આ આપત્તિને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં નુકસાનીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. સાથે જ ઠેરઠેર પાણી ભરાતાં જનજીવનની સામાન્ય ગતિને અસર થઈ હતી.
 
પરંતુ હવે વાવાઝોડું જ્યારે ગુજરાતમાંથી બહાર નીકળી ગયું છે ત્યારે શું વરસાદ આવવાનું પણ અટકી જશે?
 
આગાહી મુજબ ડિપ્રેશનમાં તબદીલ થયેલા બિપરજોય સાયક્લોનિક સ્ટોર્મના અંશો દક્ષિણ રાજસ્થાન ઉપર છે અને ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
 
નોંધનીય છે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે પાછલા ત્રણ દિવસથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે જાલોર, જોધપુર, સિરોહી સહિતના જિલ્લામાં ભારે પ્રમાણમાં પાણી ભરાયાં છે.
 
પાકિસ્તાનની બૉર્ડર સાથે જોડાયેલા બાડમેર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
 
શનિવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
 
18-19 જૂનના રોજ દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
 
તેમજ રાજ્યના આ ભાગના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
 
આ સિવાય ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં પણ 18 જૂનના મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેમજ 19 જૂનના રોજ રાજ્યના આ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં 19 જૂનના રોજ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આગાહી છે.
 
18 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ કેટલાંક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાય એવી પણ આગાહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર