જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ થવા પામે છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૃ તેમ થયું તેના એકબે કથાનકો ઈતિહાસકારોએ જાળવી રાખ્યા છે. અષાઢી બીજ પરજ કચ્છી નવું વર્ષ કેમ મનાવવામાં આવે છે ? આની પાછળ રસપ્રદ ઐતિહાસિક તથ્યો છે.
કેરાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલાણી વિચારવંત રાજવી હતો. અસંખ્યાત અવનવા વિચારો તેના મનમાં ઊઠતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં લગી તેને શાંતિ થતી જ નહિ. એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડા માટે સ્વપ્રયત્નો થવા જોઈએ એવું વિચાર્યું. તોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળી પડયો. લાખાજીના આ પ્રયાસને લોકો 'સૂરજની.....' ના નામથી ઓળખે છે. ચોમેર ઘૂમી વળ્યો. આખરે આ પ્રતિશોધમાં વિજયી ન બન્યો. જામ લાખાને પરત આવવું પડયું. એ સમયે અષાઢ માસ શરૃ થયેલો. સારા વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા અતિપ્રસન્ન થઈ ગયો. કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું અને પોતાનું નામ રોશન કરી દીધું.
આમ તો છેલ્લા આઠસો વર્ષથી આ પર્વ ધામધૂમથી કચ્છમાં ઉજવાતું રહ્યું છે. સમગ્ર કચ્છ રાજયમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક 'નૂતન વર્ષારંભ તરીકે ઉજવવામાં આવે છે. તો કચ્છ બહાર સ્થાયી થયેલા દેશ-પરદેશનાં કચ્છીઓ, અષાઢી બીજના પર્વ પર બહુ ઉત્સાહપૂર્વક પોતાનાં મંદિરે- વતનનો આ મોટો અને મુખ્ય તહેવાર ઉજવીને, નિજાનંદ વ્યક્ત કરી માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.