10 કિ.મી સુધી ટ્રાફિક જામ થતાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયાં
Ahmedabad Mumbai National Highway અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટાયર નીકળી જતાં એક કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે વડોદરાથી કરજણ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને બામણગામ પાસે 10 કિ.મી સુધી ટ્રાફિક જામ થયો હોવાની વિગતો સામે આવી છે. અનેક વાહન ચાલકો આ હાઈવે પર અટવાઈ ગયાં છે.
એક તરફનો આખો બ્રિજ બ્લોક થઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. આ કન્ટેનરના ટાયર અચાનક જ નીકળી જતા કન્ટેનર બામણગામ પાસેના બ્રિજ પર જ પલટી ખાઈ ગયું હતું. કન્ટેનર પલટી ખાઈ જતાં વરસાડાથી બામણગામ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. બ્રિજની વચ્ચોવચ કન્ટેનર પલટી ખાઈ ગયું હોવાથી એક તરફનો આખો બ્રિજ બ્લોક થઈ ગયો છે. જેને પગલે એક તરફનો હાઇવે બ્લોક કરી દેવાની ફરજ પડી છે
વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
હાલમાં એક તરફથી વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી રહી છે જેને કારણે ટ્રાફિકજામ થઈ ગયો છે. બામણગામ પાસે આવેલા આ બ્રિજ પર ચોમાસા દરમિયાન રસ્તો ખરાબ થઈ જતા અવારનવાર ટ્રાફિકજામ થઈ જતો હોય છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આજે કન્ટેનર પલટી ખાઈ જતા વાહનચાલકો ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.