સુરતમાં ધોળા દિવસે અમદાવાદના શેરબજારના વેપારીનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું

ગુરુવાર, 6 જુલાઈ 2023 (17:36 IST)
સુરતમાં ધોળે દિવસે મોટા વરાછા વિસ્તારમાંથી સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા અમદાવાદના વેપારીનું ગઈકાલે અપહરણ થયું હતું, જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે 3 શખસ બળજબરીથી તેને કારમાં બેસાડવા પ્રયાસ કરે છે, જેમાં એક શખસે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે, જ્યારે બે શખસને તેને કારમાં ધકેલતા જોવા મળે છે. અંતે, વેપારીને કારમાં બેસાડીને ફરાર થઈ જાય છે. આ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતાં સીસીટીવીના આધારે ત્રણની શખસની ધરપકડ કરીને વેપારીને અપહરણકારોમાંથી છુટકારો કરાવ્યો છે તેમજ અન્ય ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે.

CCTVમાં જોવા મળે છે કે રસ્તાના કોર્નર પર એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે. બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થાય છે, આથી અપહરણકારો ઉશ્કેરાતાં વેપારીનું અપહરણ કરવા ઉપર ઊતરી આવે છે. વેપારી તેની ચુંગાલમાંથી છૂટવા માટે ઘણા ધમપછાડા કરે છે, પરંતુ અપહરણકારો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ જાય છે. ઘટનાને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા.મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરત શહેરમાં આવ્યા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. ગઈકાલે તેનું અપહરણ થઈ ગયું હોવાની ઘટના બની હતી.

પોલીસે તપાસ શરૂ કરતાં જે સ્થળ ઉપરથી અપહરણ થયું હતું તેના સીસીટીવી હાથ લાગ્યા હતા, જેના આધારે ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. વેપારી યુવકના અપહરણ થવાની ઘટનામાં સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ આવતું હતું કે જબરદસ્તીથી તેને કારમાં અન્ય યુવકો દ્વારા બેસાડીને અપહરણ કરવામાં આવ્યું છે.શક્તિ ધડુક અમદાવાદમાં સ્ટોક માર્કેટની ઓફિસ ધરાવે છે. અમદાવાદથી સુરત આવી જતાં તેના લેણદારો તેની પાસે ઉઘરાણી કરી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઢી કરોડ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ થવાની વાત સામે આવી રહી છે. યુવક છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં આવી જતાં લેણદારો તેનો પીછો કરી રહ્યા હતા. અપહરણકારો સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું જણાઈ આવતાં ત્રણની ધરપકડ કરી છે. શક્તિ ધડુકનું અપહરણ પણ આ જ વિસ્તારમાંથી થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર