ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના શરતી જામીન કોર્ટે મંજૂર કર્યા છે. તે ઉપરાંત પોલીસે યુવરાજસિંહ સામે 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. શિવુભા ગોહિલ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.
અત્યાર સુધીમાં 5 લોકોના જામીન મંજૂર થયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર કોર્ટે શિવુભાના શરતી જામીન મંજૂર કર્યા છે. શિવુભા ગોહિલે 15 હજારના બોન્ડ અને ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મેળવ્યા છે. શિવુભાને પોતાનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે. આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોના જામીન મંજૂર થયા છે. જેમાં ઘનશ્યામ લાધવા, કાનભા ગોહિલ, બિપીન ત્રીવેદી, રાજુના જામીન દેશ નહીં છોડવા અને પોસપોર્ટ જમા કરાવવો તે શરતે જામીન આપ્યા હતા.
17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધાયા
આ કેસમાં કુલ 128 સાક્ષીના નામ આપવામાં આવ્યા છે. જેમાંથી 17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધવામાં આવ્યા છે. શિવુભાના ઘરેથી રોકડ રકમ મળી આવી હતી. ભાવનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી શિવુભાએ જામીન માટે રજૂઆત કરી હતી પણ અગાઉ સરકારે જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી ત્યારે કોર્ટે શિવુભાની જામીન અરજી ફગાવી દીધી હતી પણ હવે કોર્ટે જામીન મંજૂર કર્યા છે.