Bhavnagar News - તોડકાંડ અને ડમીકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફર માટેની અરજી કોર્ટે ફગાવી, હવે જેલ નહીં બદલાય

શુક્રવાર, 5 મે 2023 (17:58 IST)
તોડકાંડ અને ડમીકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફર માટેની અરજી કોર્ટે ફગાવી, હવે જેલ નહીં બદલાય
તોડકાંડના યુવરાજસિંહ જાડેજા સહિત 39 આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે
 
ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 39 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓ હાલ ભાવનગર જેલમાં બંધ છે. ત્યારે ડમીકાંડ અને તોડકાંડના મામલાના આરોપીઓ એક જ જેલમાં હોવાથી તેમની વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય તે માટે જેલ ઓથોરિટી અને પોલીસ દ્વારા તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી આજે કોર્ટે ફગાવી દીધી છે. હવે તોડકાંડ અને ડમી કાંડના આરોપીઓ એક જ જેલમાં રહેશે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે  ભાવનગર SIT અને જેલ ઓથોરિટી દ્વારા કોર્ટમાં તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા જેલમાં હાલ અત્યારે તોડકાંડના 6 આરોપીઓ તથા ડમીકાંડના 33 આરોપીઓ જેલ હોવાને કારણે તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા તોડકાંડના યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી દેવાતા હવે યુવરાજસિંહ સહિતના 6 આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર