આજે ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મા અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓના ઘસારાને જોતા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓમા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી કમિશ્નર શુશિલ ચંદ્રા પણ માના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ દરેક ભક્તો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે.
ભાદરવી પૂનમને લઈને મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. રવિવારે ભાદરવી સુદ ચૌદસના સાંજ સુધી આશરે 5.50 લાખ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિર રાત્રિ દરમિયાન જુદી-જુદી રોશનીથી ઝગમગી ઉઠે છે. જેમાં મંદિર ટ્રસ્ટના બે વીજ કનેક્શનોમાં મોટી જગ્યામાં 96 કિલો વોટની સોલાર પેનલો લગાવી છે અને ગબ્બરની નીચે તરેટીમાં 50 કિલોવોટ કનેક્શન અપાયું હોવાનું જીઇબીના અધીકારી એલ.એ.ગઢવીએ જણાવ્યું હતું.
અરવલ્લીથી જિલ્લામાંથી માતાજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ રાઠોડ રાવલે જણાવ્યું હતું કે, હું દર ભાદરવી પૂનમે માતાજીને દર્નાર્થે આવું છુ, પણ જ્યારથી કોરોના મહામારી આવી છે, ત્યારથી આવી શકાતું નથી. આ વર્ષે આવ્યો છુ. રાજ્ય અને દેશમાંથી કોરોના મહામારી જલ્દી વિદાય લે તેવી માતાજીને પ્રાર્થના.
રવિવારે ચૌદશના દિવસે એક લાખથી વધુ ભકતોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું હતું. મંદિર ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમમાં આ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરાઇ છે. અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હોવાનું આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે.