નલ સે જલ યોજનાનાં કામોમાં પ્રાઇવેટ ઇજેનર રાખીને તપાસ કરાવતા ગેરરીતિ બહાર આવી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પંચમહાલમાં વાસ્મો દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કર્યાં છે. તેમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓની મીલીભગતથી મોટેપાયે ગેરરીતિ આચારવામાં આવી છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઇવેટ ઇજેનર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.
ACBની રાહે તપાસ કરવા માંગ કરી
જેઠા ભરવાડે પત્રમાં જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં બાંધકામ અને ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નિગમના કાર્યપાલક ઈજનેર એમ.એમ.મેવાડા દ્વારા પાણીપુરવઠા યોજનાનાં કામોમાં હલકી ગુણવત્તાનાં કામો કરાવી મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાનાં ગામોએ પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવા માટે માગણી કરી છે છતાં તેઓ પોતાની મનમાનીથી અધિકારીઓને દબાવી-ધમકાવીને પાણીનું ટેન્કર શરૂ કરવા દેતા નથી. જેથી નલ સે જલ યોજનાના અધિકારીઓ તથા જૂથ પાણીપુરવઠા અધિકારી એમ. એમ. મેવાડા વિરુદ્ધ ACBની રાહે તેમની મિલકતો સહિતની તપાસો કરવા માગણી કરી છે.
સરકારની બદનામી રોકવા તપાસની માંગ કરી
જેઠા ભરવાડે પત્રમાં કહ્યું હતું કે જે જગ્યાએ ટેન્ડર પ્રમાણે કામ નથી થયાં એની તપાસ કરાવી છે. એમાં ઘણી જગ્યાએ ટેન્ક બનાવવાની છે એની જગ્યાએ તૈયાર ટેન્ક લગાવવામાં આવી છે. ઘણી જગ્યાએ નળ પ્લાસ્ટિકના છે, જે ન હોવા જોઇએ, વગેરે બાબતો સામે આવી છે. આટલી મોટી રકમ જો સરકાર પ્રજાના હિત માટે વાપરતી હોય તો એનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ. વાસ્મોના અધિકારીઓને પણ મેં આ કામગીરી અંગે જાણ કરી હતી. જેણે ખોટું કર્યું હોય તેની સામે પગલાં લેવા જોઇએ. લોકોને પાણી મળે તો આ યોજના સફળ થાય. જો નલ સે જલ યોજના હેઠળ લોકોને પાણી ન મળે તો સરકારની બદનામી થાય, જેથી સરકારની બદનામી ન થાય એ માટે મેં તપાસ કરાવવાની માગ કરી છે.