મહેસાણા જિલ્લાના વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલા ઉમિયા ગોડાઉનમાં મહેશકુમાર પૂનમચંદ મહેશ્વરીની પેઢી પર મહેસાણા ફૂડ વિભાગે બાતમી આધારે દરોડા પાડી બનાવટી મરચું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. રેડ દરમિયાન સંચાલક રાત્રે મરચું બનાવવા કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ફૂડ વિભાગે આખી રાત કાર્યવાહી કરી મોટી સંખ્યામાં ભેળસેળવાળું મરચું ઝડપી પાડ્યું હતું.ફૂડ વિભાગના અધિકારી વી.જે.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ ઉમિયા ગોડાઉનમાં મહેશકુમાર પુનમચંદ મહેશ્વરીની પેઢીમાં ડુપ્લિકેટ મરચું બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વી.જે.ચૌધરીએ સતત બે દિવસ આખી રાત એકલા એ પેઢી આગળ વોચ ગોઠવી તપાસ કરી હતી અને પોતે રાત્રે સાઇકલ પર બેસી ગોડાઉનમાં ગયા હતા.ફૂડ વિભાગના અધિકારીએ રવિવારે રાત્રે 8 કલાકથી પેઢી પાસે વોચ પર હતા. જ્યાં કોણ ક્યાં જાય છે? શું થઈ રહ્યું છે? આ તમામ બાબતો પર વોચ કર્યા બાદ રાત્રે 12 કલાકે એકલા પેઢીમાં ઘૂસી દરોડા પાડ્યા હતા. જ્યાં ખુદ સંચાલક મરચામાં કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. અધિકારીએ બાદમાં ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને રાત્રે 12થી આજે સવારે 4 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી.
મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડી વિજાપુરની પેઢીમાંથી 3858 કિલો મરચું ઝડપી લીધું હતું. રેડ દરમિયાન ફૂડ વિભાગે મરચામાં નાખવામાં આવતો કલર પાઉડર કબજે કર્યો હતો. તેમજ રાત્રે તૈયાર કરવામાં આવેલ પાંચ-પાંચ કિલોના 151 થેલા ઝડપી લીધા હતા. આ કેસમાં સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ વિભાગે કુલ 3858 કિલો મરચું પાવડર કબ્જે કર્યું હતું. આ મરચું 200 રૂપિયે કિલો વેચાતું હતું. વેપારી અમદાવાદના માધુપુરા વિસ્તારમાં મરચું વેચતો હતો. અગાઉ આ જ વેપારી નકલી ધાણા પાવડર અને મરચું બનાવતા ઝડપાઇ ચુક્યો છે. પોલીસે હાલ 10,44,885 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો શખ્સ ફૂડ વિભાગનો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેની પર ફૂડના ત્રણ કેસ ચાલતા હોવાની વિગતો સામે આવી છે.