સુરતમાં એક કારખાનામાં કામદારનું કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે. પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા લુમ્સના ખાતામાં કામ કરતા એક કારીગરને જોરદાર કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલી ઈસ્ત્રી પકડતા જ યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કરંટ લાગ્યાની 5 સેકન્ડમાં જ કામદાર ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો.
આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી ઘટના મોટા વરાછામાં બની છે. જેમાં એક દુકાનદાર ઝાડ પર ડાળી કાપવા ચડ્યો હતો અને ઉપરથી પસાર થતી વીજલાઈનને સ્પર્શી ગયો હતો. આથી વીજ કરંટ લાગતા દુકાનદાર મોતને ભેટ્યો હતો. સુરતમાં એમ્બ્રોડરી, લુમ્સ, મીલ કે અન્ય કારખાનાઓમાં કરંટ લાગતા કારીગરના મોત થયાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ફરી સુરતમાં વધુ એક આવી જ ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. સુરતના પાંડેસરા શિવાજીનગર પાસે રહેતા 30 વર્ષીય દીપક વસંતભાઈ પાટીલ પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલા ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લુમ્સના ખાતામાં કામ કરતો હતો. ગત રોજ તે લુમ્સના ખાતામાં રાબેતા મુજબ કામ કરી રહ્યો હતો, દીપક ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલી ઇલેક્ટ્રિક ઈસ્ત્રીની પીન કાઢવા ગયો હતો. આ દરમિયાન અચાનક જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો