અમદાવાદના વસ્ત્રાપુરમાં હોટેલના બે કર્મચારીઓ બાખડ્યા, ગંભીર ઈજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત

Webdunia
સોમવાર, 8 મે 2023 (19:11 IST)
મૃતક સતીષને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
 
 શહેરમાં નાની બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં એક હોટેલમાં કામ કરતાં બે કર્મચારીઓ એક ચિઠ્ઠીને લઈને બાખડ્યાં હતાં. જેમાં એક કર્મચારીને મુઢ માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાના બનાવને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. 
 
2 કર્મચારીઓ વચ્ચે કામ કરવા બાબતે તકરાર થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્થિત ચારકોલ હોટલમાં કામ કરતાં બે કર્મચારી અંદરો અંદર બાખડ્યા હતાં. આ દરમિયાન એક કર્મચારીને બીજા કર્મચારીએ મૂઢ માર મારતાં તે ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.વસ્ત્રાપુરમાં આવેલી ચારકોલ હોટલમાં વહેલી સવારે 3 વાગ્યાની આસ પાસ બિહારના સતીષ અને પવન નામના 2 કર્મચારીઓ વચ્ચે કામ કરવા બાબતે તકરાર થઈ હતી. 
 
આરોપી પવન પાંડેની પોલીસે ધરપકડ કરી 
જ્યારે બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ હતી. પવને સતીષને મૂઢમાર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સતીષને ગંભીર ઇજા થઇ હતી, જેના કારણે સતીષ ઢળી પડ્યો હતો. હોટલ માલિકને જાણ થતાં સતીષને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સતીષનું મોત થયું હતું. સતીષના શરીર પર ઇજાનાં નિશાન નથી જેથી મૂઢમારના કારણે મોત થયું હોવાનું પોલીસનું અનુમાન છે. સતીષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આરોપી પવન પાંડેની પોલીસે ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article