અમદાવાદમાં વાહન વિક્રેતાઓએ સાયકલ કે સ્કૂટર ખરીદતા ગ્રાહકના પુરાવા સાચવવા પડશેઃ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Webdunia
સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (12:36 IST)
થોડા દિવસ પહેલાંજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સજાનો ચુકાદો આવી ગયો છે. આ ચુકાદા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરમાં ભૂતકાળમાં જાહેર જનતાની અવર જવર વધારે રહેતી હોય તેવા વિસ્તારોમાં જેમ કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ પર્યટન સ્થળો વગેરે જગ્યાએ સાઈકલ, મોટર સાઈકલ કે ફોર વ્હીલમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે  આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ નકારી શકાય એમ નથી. જેથી અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને વાહન વિક્રેતાઓને હૂકમ કર્યો છે.

પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને હૂકમ કર્યો છે કે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો શહેરમાં વાહનનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપી શકે છે. જેથી સાયકલ, મોટરસાયકલ, ફોર વ્હીલર અને બેટરીથી ચાલતા વાહનો વેચતા ડિલરો, એજન્ટો, દુકાનો ધરાવનાર માલિકો, મેનેજરોએ વાહન વેચતી વખતે વાહન ખરીદનારના રહેઠાણ અને ઓળખના પુરાવાઓ સાચવી રાખવા પડશે. વાહન ખરીદનારનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય ત્યાંનુ ઓળખપત્ર અથવા તો શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદસભ્ય તરફથી મેળવેલ ઓળખપત્ર કે પ્રમાણ પત્ર ગ્રાહક પાસેથી વાહન વિક્રેતાઓએ લેવાનું રહેશે. વાહન વેચનારે બિલમાં ખરીદનાર ગ્રાહકનું નામ, સરનામું અને ટેલિફોન નંબર લખવાનો રહેશે. તે ઉપરાંત બિલમાં સાયકલ કે સ્કૂટરનો ફ્રેમ નંબર કે ચેચિસ નંબર પણ અવશ્ય લખવાનો રહેશે.

કમિશ્નરનો આ હૂકમ આગામી 60 દિવસ સુધી અમલી રહેશે. મોલ મલ્ટિપ્લેક્સમાં આવતાં વાહનો જે ખાસ કરીને પાર્કિંગમાં પ્રવેશે છે તેમનું ઊંડાણપૂર્વક ચેકિંગ કરવું. ચેકિંગમાં અંડર વ્હીકલ સર્ચ મિરર/ વ્હીકલ સ્કેનરનો ઉપયોગ કરવો. તે ઉપરાંત મોલમાં પ્રવેશતાં તમામ વ્યક્તિઓનું ચેકિંગ કરવું. તેની સાથે ફિઝિકલ તેમનું ફિઝિકલ ફિસ્કિંગ કરવુ. મહિલાઓના ચેકિંગ માટે અલાયદા એન્ક્લોઝર બનાવવા. કોઈપણ વ્યક્તિ હથિયારો સાથે અથવા તો એક્સપ્લોઝર પદાર્થો સાથે મોલમાં પ્રવેશના કરે તેની તકેદારી રાખવી ફરજિયાત છે. મોલમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓના સામાન અને બેગ વગેરેની તપાસ માટે બેગેઝ સ્કેનર મશીનનો ઉપયોગ કરવાનો રહેશે.

સંબંધિત સમાચાર

Next Article