સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

રવિવાર, 10 નવેમ્બર 2024 (17:27 IST)
સ્પેનમાં ભીષણ પૂર બાદ હવે સ્થાનિક લોકોમાં પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે.
 
સ્થાનિક પ્રમુખના રાજીનામાની માગણી સાથે શનિવારે સ્પેનના વૅલેન્સિયામાં હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું.
 
સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા, "અમે કાદવથી ઢંકાયેલા છીએ અને તમે લોહીથી ઢંકાયેલા છો."
 
ઑક્ટોબરમાં, વૅલેન્સિયા અને તેના આસપાસના પ્રાંતોમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા પૂરથી 200 કરતાં પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પૂરના કારણે 80 લોકો હજુ પણ ગુમ છે.
 
દેખાવકારોએ સ્થાનિક અધિકારીઓ પર પૂરની ચેતવણી ખૂબ મોડેથી જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનના અંતે રોષે ભરાયેલા દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
 
વૅલેન્સિયાના મેયર મારિયા જોસ કૅટાલાએ સોશિયલ મીડિયા પર તૂટેલી બારીઓના ફોટા શેર કરતા કહ્યું હતું કે, "તોડફોડ એ ઉકેલ નથી."
 
વૅલેન્સિયા સિટી કાઉન્સિલે પણ પ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડની નિંદા કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર