બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ નુકશાન સહાયની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ તેમજ બનાસકાંઠામાં ભારે તારાજી સર્જી હતી. તેમજ ખેતરમાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકશાન થયું હતું.
આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ તેમજ બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાથી નુકશાન થયું હતું. કચ્છ તેમજ બનાસકાંઠાનાં ખેડૂતોને બાગાયતી તેમજ પિયત પાકોમાં થયેલ નુકશાન માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ તેમજ બનાસકાંઠામાં એક લાખ હેક્ટરમાં બાગાયતી પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને મદદરૂપ થવા 240 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ સહાય જાહેર કરવામાં આવી છે.
કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત 1 લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે. આ જીલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓનાં ખેડુતોને મદદરૂપ થવા અંદાજિત રૂ. ૨૪૦ કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે