વડોદરાની સ્કાય ડાયવરે થાઈલેન્ડના આકાશમાં રામનામ વહેતુ કર્યું, 13 હજાર ફૂટની ઉંચાઈએથી પ્લેનમાંથી કૂદકો માર્યો

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (15:56 IST)
Sky diver from Vadodara


-  થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ રામ નામનો ધ્વજ લહેરાવ્યો 
-  એક મહિના જેટલી તાલીમ લીધી 
-   અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી કૂદકો મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે. આકાશમાં રામ નામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવીને એક મહિના જેટલી તાલીમ લીધી હતી. જોકે આ મહિલા સ્કાય ડાઇવર અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચુકી છે.

વડોદરામાં રહેતા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં મારી માતા સાથે ચર્ચા કરી રહી હતી કે, આપણે ભગવાન શ્રીરામનું સ્વાગત કેવી રીતે કરી શકીએ, ત્યારે મારી માતાએ મને આ આઈડિયા આપ્યો હતો, ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં હું થાઈલેન્ડ ગઈ હતી, મેં થાઈલેન્ડમાં જય શ્રીરામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનું નક્કી કર્યું હતું. જેના માટે હું છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહી હતી અને વધારે તાલીમ પણ લીધી હતી. જ્યારે મેં વિમાનમાંથી કૂદકો મારીને જય શ્રીરામ લખેલા બેનરને 13,000 ફૂટની ઊંચાઈથી બેનર લહેરાવ્યું હતું.જે દિવસે મારે જમ્પ મારવાનો હતો, તે દિવસે પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જોકે, ભગવાન શ્રીરામની કૃપાથી મેં સારી રીતે જંપ માર્યો હતો. મને આ કાર્યમાં મદદ કરનાર તમામ લોકોનો આભાર માનું છું. મને ગર્વ છે કે, મને મારા દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવવાનો સ્કાય ડાઈવિંગ થકી મોકો મળ્યો છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ કરી ચુકી છે. આ ઉપરાંત અન્ય લોકોને પણ આ સ્કાય ડાઈવિંગમાં રસ પડે તે માટે તેમણે સ્કાય ડાઈવ ઇન્ડિયા નામથી અભિયાન શરૂ કર્યું છે અને જેમાં બીજા લોકોને પણ તેમણે સ્કાય ડાઈવિંગ માટે પ્રેરિત કર્યા છે. તેઓએ અત્યાર સુધી તેમના અભિયાનમાં 21 લોકોને જોડ્યા છે અને તેમની આ સફર યથાવત છે.

સંબંધિત સમાચાર

Next Article