સુરતમાં દેવુ થઈ જતાં ભરપાઈ કરવા પતિએ જ પત્નીની કાર ચોરી કરાવી, પોલીસે ધરપકડ કરી

સુરત

ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (13:55 IST)
car stolen
-  ફરિયાદી મહિલાના પતિએ જ કાર ચોરી કરાવી
- દેવુ થઈ જવાના કારણે ઘરની જ કાર ચોરી કરાવવાનો પ્લાન 
-  સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ભાંડો ફુટ્યો 


 Surat Crime News - શહેરના ઉધના વિસ્તારમાં દેવુ પુરૂ કરવા પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાર ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે ઉધના પોલીસની તપાસમાં ફરિયાદી મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસને તપાસમાં પતિએ તેના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.
 
સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં કાર ચોરીના ગુનામાં ફરિયાદી મહિલાના પતિએ જ કાર ચોરી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિલાએ ઉધના પોલીસમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડીરાત્રીના સમય દરમિયાન ફરિયાદી મહિલાના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી હતી. 
 
પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ કાર કબજે લીધી
પોલીસની તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા ફરિયાદી મહિલાના પતિ ગોવર્ધન સિંહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ હતી.આરોપીએ જણાવ્યું હતું કે, દેવુ થઈ જવાના કારણે તેની સરભરા કરવા આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી. જે માટે ઈકબાલ પઠાણને કારની ચાવી પણ પોતે આપી હતી. વાહનો પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી. જેના કારણે દેવું થઈ જતા તે લોન ની ભરપાઈ કરી શકતો નહોતો. જેથી કારચોરીનો પ્લાન બનાવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ કાર કબજે લઈ ફરાર મિત્રની શોધ ખોળ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર