ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં લોકો વોટર પાર્કમાં મજા માણવા જતા હોય છે. ત્યારે વેકેશનના સમયમાં વોટર પાર્ક દ્વારા અવનવી સ્કીમો પણ શરૂ કરવામાં આવે છે. રાજ્યમાં હવે વેકેશનનો સમય પૂરો થવામાં છે ત્યારે SGST દ્વારા રાજ્યમાં 6 જિલ્લામાં આવેલા 15 વોટર પાર્ક પર દરોડા પાડવામાં આવ્યાં છે. 15 વોટર પાર્કના 27 જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે SGST વિભાગ દ્વારા અમદાવાદ, હિંમતનગર, નવસારી, મહેસાણા, રાજકોટ, ખેડા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં, વોટરપાર્કમાં વિવિધ સેવા માટેના વ્યવહારો રોકડેથી કરી ચોપડે નહોતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વોટરપાર્કના માલિકોએ વિવિધ વ્યવહારો ચોપડે ન દર્શાવી કરોડોની કર ચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે