ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. સીએનજી અને ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગમાં એક કાર અચાનક સળગી ઉઠી હતી. જેમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગતાં રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે BMW કાર અચાનક સળગી હતી. 70થી 80 લાખની કિંમતની આ કારમાં આગ લાગતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક કારમાં ડિઝલ ભરાવતા હતાં ત્યારે બોનેટમાંથી ધુમાડા નિકળ્યા હતાં. પેટ્રોલ પંપના કર્મચારીએ કારને ઝડપથી પંપથી દૂર લઈ જવા કહ્યું હતું. કાર ચાલકે કારને પેટ્રોલ પંપની બહાર લઈ જતાં જ જાહેર રોડ પર એકાએક કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. કારમાં આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.