રથયાત્રામાં શહેરમાં દારુ - ડ્રગ્સ - હથિયારોની હેરાફેરી રોકવા તેમજ ગુનેગારોને પકડવા પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. મંગળવારે રાતે અમદાવાદમાં પોલીસે નાકાબંધી ગોઠવીને 7000 વાહન ચેક કર્યાં હતાં. જેમાંથી 44 વાહનમાંથી હથિયારો મળી આવ્યા હતા. જ્યારે અમદાવાદમાંથી તડિપાર કરાયેલા 46 હિસ્ટ્રીશીટરના ઘરે પોલીસે તપાસ કરતા તેમાંથી 10 તેમના ઘરેથી જ મળી આવ્યા હતા. સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું હતુ કે, 20 જૂને રથયાત્રા નીકળવાની છે. તે માટે પોલીસે અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. પોલીસે 7 હજાર ગાડીઓ ચેક કરી હતી. તેમાંથી 44 ગાડીમાંથી દંડા, છરા જેવા હથિયારો મળી આવતા તે તમામ વાહન ચાલકો સામે ગુના નોંધીને વાહન તેમજ હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. જુદા જુદા ગુનામાં નાસતા ફરતા 100 આરોપી ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 1 મળી આવ્યો હતો. આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રખાશે.