Ajwa Sarovar - આજવા સરોવર 130 વર્ષ પછી પણ અડીખમ

ગુરુવાર, 18 મે 2023 (11:48 IST)
વડોદરા શહેરના અડધા વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરને 130 વર્ષ થઇ ગયા છે. આજવા સરોવર આજે પણ અડીખમ છે અને શહેરના લોકોને પાણી પૂરું પાડી રહ્યું છે. આ આજવા સરોવર 1892માં વડોદરાની વસ્તી એક લાખ હતી, ત્યારે દિર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ આજવા સરોવર બનાવ્યું હતું. આજે વડોદરાની વસ્તી 20 લાખને પાર કરી ગઇ છે. ત્યારે 3 લાખની વસ્તીને ધ્યાનમાં લઇને બનાવવામાં આવેલું આ આજવા સરોવર વડોદરાની 10 લાખની વસ્તીને પાણી પૂરું પાડી રહ્યું છે.  આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે, જેમણે શહેરની પાણીની જરુરિયાતને ધ્યાનમાં રાખી આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું. હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીને પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખા પુર્વીય વિસ્તારને જીવન જરુરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે.
 
આજવા સરોવરને કિનારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું પણ આયોજન કરાયેલ છે. આ બાગ મૈસૂરના વૃંદાવન બાગની છાયા સમાન છે. વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે તેમ જ અહીં દર શનિ, રવિ અને સોમવારે યોજવામાં આવતા સંગીતમય ફુવારા (મ્યુઝિકલ ફાઉન્ટેન)નો કાર્યક્રમ છે. આજવા સરોવરનું પાણી શુદ્ધ કરવા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવાથી વડોદરા તરફ આવતા રસ્તામાં નિમેટા ગામ પાસે પાણી શુદ્ધીકરણનો પ્લાન્ટ નાખેલ છે. આ પ્લાન્ટની આસપાસ પણ એક સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. આજવા સરોવર અઠવાડીક રજા માણવા માટેનું એક ખુબ જ પ્રખ્યાત તેમજ આહલાદક સ્થળ છે. વડોદરાથી આજવા પહોંચવા માટે ખાનગી વાહન વ્યવસ્થા સહેલાઇથી ઉપલબ્ધ છે. હાલમાં વડોદરાથી આજવા વચ્ચે બીજા ઘણાં આનંદ પ્રમાદના પર્યટન સ્થળ વિકસી ગયાં છે, જેમકે ગુજરાત ફન વર્લ્ડ ઍન્ડ રીસોર્ટ, આજવા ફન વર્લ્ડ વગેરે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર