સુરત ડાયમંડ નગરી છે અહીં ચમકને સ્થાન મળે પણ ચમત્કારને નહીંઃ જનક બાબરિયા
ગુજરાતના ત્રણ શહેરોમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ દરબાર યોજાય તે પહેલાં જ વિવાદ શરૂ થયો છે. રાજકોટના સહકારી અગ્રણી પુરૂસોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં બાબા વિરૂદ્ધ પોસ્ટ મુકતાં ધમકીઓ મળી રહી હોવાનું જણાવાયું હતું. ત્યારે એક પરિવાર સામે આવ્યો છે. જેમાં યુવતીનો આરોપ છે કે, બાબાનાં કહેવા મુજબ દવા બંધ કરવાથી ભાઈની તબિયત લથડી છે અને હાલ તે વેન્ટિલેટર ઉપર છે. જ્યારે પિતા કહે છે કે, પુત્રીને કાંઈ ખબર નથી, બાબાએ દવા બંધ કરવાનું કહ્યું જ નથી. હવે બાબા સામે વધુ એક પડકાર ફેંકાયો છે. જેમાં 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાના પેકેટમાં કેટલા નંગ હીરા છે એ બાબા કહે તો તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરીને બધા હીરા તેમને આપી દેવાનો દાવો કરવામાં આવ્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર કાર્યક્રમનો વિરોધ
સુરતના હીરાના વેપારી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા પર કામ કરતા સામાજિક કાર્યકર જનક બાબરિયા તરફથી ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચમત્કારના પરચા બતાવવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું- બાબા જો ખરેખર ચમત્કારી હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને હું 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ તેમને આપીશ અને એમાં કેટલા નંગ હીરા છે એ બાબા જાણાવી આપે તો તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી આ તમામ હીરા તેમનાં ચરણોમાં અર્પણ કરવા તૈયાર છું.જનક બાબરિયા હીરાના વેપારી સાથે અંધશ્રદ્ધા નિવારણ સંસ્થામાં જોડાઈને તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને પડકાર
સુરતના હીરા વેપારી જનક બાબરિયાએ સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને પડકાર ફેંકી કહ્યું હતું કે સુરત ડાયમંડ નગરી છે, અહીં ચમકને સ્થાન મળે પણ ચમત્કારને નહિ. આ બાબાના દરબારનો હું મારી ટીમ સખત વિરોધ કરીએ છીએ. ગુજરાત એ સરદાર, ગાંધી અને દયાનંદ સરસ્વતીની ભૂમિ છે, અહીં ક્રાંતિની શરૂઆત થઈ શકે, પણ આ ધરતી પર ચમત્કાર કે પરચાઓને સ્થાન હોય જ નહીં. આ ગુજરાતીઓએ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે, કારણ કે બજરંગદાસ બાપા અને જલારામ બાપાને ક્યારેય કરોડો રૂપિયાના ખર્ચે ચમત્કાર/પરચાના "દિવ્ય દરબાર" ભરવાની જરૂર નથી પડી.