પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિરનાર રોપવે પ્રોજેક્ટ હવે પુરો થવાના આરે

Webdunia
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:08 IST)
રવિવારે ઓસ્ટ્રિયાના ચાર એન્જિનિયરોની દેખરેખ હેઠળ જૂનાગઢ પાસે આવેલા ગિરનારમાં ગિરનાર રોપવે-ની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર એક ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા, ગિરનાર રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે. 2007માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ પાછળ કુલ 110 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.'રોપવે ભવનાથ તળેટીને અંબાજી મંદિર સાથે જોડે છે, જે માત્ર 7 મિનિટમાં 2.3 કિમીનું અંતર કાપે છે', તેમ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીએ જણાવ્યું હતું. ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે નવ ટાવર ઉભા કરવામાં આવ્યા છે, જેની ઉંચાઈ ગિરનારના હજારો પગથિયા જેટલી એટલે કે 66 મીટર છે. ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે 5000 પગથિયા છે', તેમ અધિકારીએ કહ્યું હતું. એકવાર આ પ્રોજેક્ટ પૂરો થાય પછી રોપવેમાં 24 ટ્રોલીઓ લગાવવામાં આવશે. દરેક ટ્રોલી આઠ વ્યક્તિઓ બેસી શકે એટલી ક્ષમતા ધરાવતી હશે. આમ, એક જ વખતમાં 192 પેસેન્જરો મુસાફરી કરી શકશે', તેમ અધિકારીએ ઉમેર્યું હતું. ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સંચાલિત, ગિરનાર રોપવે પ્રોજેક્ટ સૌ પ્રથમ 1983માં પ્રસ્તાવિત કરાયો હતો. જો કે, સરકાર દ્વારા અનેક બાકી મંજૂરીઓ બાદ આખરે સંમતિ મળતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણકામ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પોતાની રોજીરોટી માટે ખતરારુપ સાબિત થશે, તેવું માનીને શ્રદ્ધાળુઓને ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી પાલકીમાં લઈ જતા લોકો આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટમાં લઈ ગયા હતા. જો કે, ઉષા બ્રેકો લિમિટેડે પાલકી ચલાવતા લોકોને વૈકલ્પિક નોકરી આપવાની ખાતરી આપતાં હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
 
 

સંબંધિત સમાચાર

Next Article