જળાશયોમાં માત્ર 30 થી 35 ટકા જ પાણીનો જથ્થો, સિંચાઇ માટે પાણી નહી મળે: નિતિન પટેલ

Webdunia
સોમવાર, 16 ઑગસ્ટ 2021 (20:43 IST)
રાજ્યની સાથે સાથે પંચમહાલ જીલ્લામાં પણ શરૂઆતના સારા વરસાદ બાદ હવે છેલ્લા ઘણા દિવસો થી વરસાદ નહિ વરસતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. પડતા પર પાટું હોય તેમ નાયબ મુખ્યમંત્રી એ જે પ્રમાણે કહ્યું કે હાલ સિંચાઈનું પાણી આપી શકાય તેમ નથી. કારણ કે રાજ્યના જળાશયોમાં માત્ર 30 થી 35 ટકા જ પાણીનો જથ્થો છે. તેવી જ હાલત પંચમહાલ ના જળાશયો અને ખેડૂતો ની થઇ રહી છે કારણ કે પંચમહાલમાં આવેલા ત્રણેય જળાશયોમાં જળરાશી જરૂરિયાત કરતા ઘણી ઓછી જોવા મળી રહી છે.
 
પંચમહાલ જિલ્લામાં આવેલા ત્રણ જળાશયોમાં હાલ વરસાદ ખેંચાતા પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે.જિલ્લાના સૌથી મોટા પાનમ ડેમમાં હાલ માત્ર 40 ટકા પાણીનો જથ્થો છે જે માંથી સિંચાઈ માટે કેનાલ મારફતે  700 ક્યુસેક પાણી ખરીફ પાકની ખેતી માટે ગોધરા, લુણાવાડા અને શહેરા તાલુકાના ખેડૂતોને હાલ આપવામાં આવી રહ્યું છે.
 
આ ઉપરાંત આ જળાશયમાંથી બે પાણી પુરવઠાની યોજના મારફતે 5 એમસીએમ પાણી આપવામાં આવે છે. એવી જ રીતે હડફ ડેમમાં હાલ 62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે .જેમાંથી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઇ ખરીફ પાક સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવા દરખાસ્ત કરી સંલગ્ન વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. કરાડ ડેમની વાત કરવાં આવે તો હાલ ડેમમાં  32 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે હાલ 100 ક્યુસેક પાણી ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. જે પાણી ઓછું પ્રેશર હોવાથી કાલોલના છેવાડાના ગામો સુધી પહોંચી શકતું નથી.જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
 
ખેડૂતો દ્વારા કરાડ ડેમમાં નર્મદા યોજના મારફતે પાણી ભરવામાં આવે તો તેઓની સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે એમ છે. ઉલ્લેખનીય છેકે  ડેમમાં પાણીનો સંગ્રહિત જથ્થો હાલ તો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પૂરતા પ્રમાણમાં હજી સુધી   વરસાદ વરસ્યો નથી જેથી આગામી સમયમાં શિયાળુ ખેતી અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની દહેશત વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે.

સંબંધિત સમાચાર

Next Article