- વરિષ્ઠ નાગરિકોના સ્વસ્થ વૃદ્ધત્વ માટે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકોની હરહંમેશ પડખે
: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર
- રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ લોન્ચ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
- આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ લોન્ચ કરતા કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોના સ્વસ્થ વૃદ્ધત્વ માટે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકોની હરહંમેશ પડખે છે.
મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર રાજ્યના તમામ વર્ગોની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે Help Age Indiaના સહયોગથી રાજ્યમાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક
પરિવર્તન લાવવા મદદરૂપ થશે.
મંત્રી શ્રી પરમારે આ અંગે વિશેષ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો કે જેઓ તેમની ઢળતી જતી વયને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી તેમજ, જૈફ વયે પોતાના સંતાનોની દુર્લક્ષતાને કારણે એકલતા અનુભવતા વડીલોની સરકાર દ્વારા વિશેષ સંભાળ લેવાય તે હેતુથી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને Help Age Indiaના સહયોગથી એલ્ડર લાઇન ગુજરાત–૧૪૫૬૭ને મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.
મંત્રી શ્રી પરમારે કહ્યુ કે, હેલ્પ એઈજ ઇન્ડિયા એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ-શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગરપાલિકા સત્તામંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે સંકલનમા રહી વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપનની કામગીરી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે.
મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમારે ઉમેર્યુ કે, આ હેલ્પલાઈન નંબર કાર્યરત કરવાનો ઉદ્દેશ્ય આધાર અને માર્ગદર્શન આપવા માટે દેશના દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચવું, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમની માહિતીનો પ્રસાર કરવો, સરકારી કાર્યક્રમના અમલીકરણ સંબંધિત પ્રશ્નોની સુવિધા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરવી, વરિષ્ઠ નાગરિકોમાં આશા અને વિશ્વાસ કેળવવો, વરિષ્ઠ નાગરિકોની વિવિધ આવશ્યકતાઓને સમજવા માટે અને જરૂરી નીતિઓ-અમલીકરણ પદ્ધતિઓ બનાવવી, માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને દુરુપયોગના કિસ્સામાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે.
મંત્રી શ્રી પરમારે વધુમાં ઉમેર્યુ કે, આ હેલ્પલાઈન નંબર કાર્યરત થવાથી વરિષ્ડ નાગરિકોને આરોગ્ય, જાગૃતિ, નિદાન, સારવાર, વૃદ્ધાશ્રમ, ડે કેર સેન્ટર, માહિતી આપવી, વરિષ્ઠ નાગરિકને કાનૂની સલાહ-વ્યક્તિગત અને પારિવારિક બંને સ્તરે, સરકારશ્રીની વૃદ્ધ પેન્શન માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવું, વિવાદ નિરાકરણ માર્ગદર્શન-મિલકત, પડોશીઓ, પીડિત, ગુમ થયેલ અને ત્યજી દેવાયેલા વૃદ્ધોની સંભાળ અને સહાય, વરિષ્ઠ નાગરિકોને વૃધ્ધાશ્રમ અંગેની માહિતી પુરી પાડવી જેવી સેવાઓ રાજ્યનાવરિષ્ઠ નાગરિકોને મળશે.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, હેલ્પ એઈજ ઈન્ડિયાના ડાયરેકટર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.