ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીમાં 10 ટકા સુધીનો વધારો

Webdunia
શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (12:09 IST)
ગુજરાત શિક્ષણ બોર્ડની તાજેતરમાં મળેલી પરીક્ષા સમિતિની બેઠકમાં મંજૂર કરાયેલી ધો.10 ,12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાઓની નવી ફી બોર્ડ દ્વારા આજે જાહેર કરવામા આવી છે. જે મુજબ દરેક ફીમાં 10 ટકા સુધીનો ફી વધારો કરવામા આવ્યો છે. દર વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં 10 ટકા વધારો નક્કી કરવામા આવ્યુ છે.જે મુજબ 2020ની માર્ચ બોર્ડ પરીક્ષા માટે નિયમિત,ખાનગી અને રીપીટર સહિતની દરેક પરીક્ષા ફીમાં 10 ટકા વધારો કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી પરીક્ષા ફી મુજબ ધો.10માં નિયમિત વિદ્યાર્થીઓ માટે 355 રૂપિયા પરીક્ષા ફી કરવામા આવી છે.જે અગાઉ ગત વર્ષે 325 રૂપિયા હતી. આ ઉપરાંત રીપિટર એક વિષયની ફી 120 હતી તે વધારીને 130 , રીપિટર બે વિષય માટે 170 ફી હતી તે વધારીને 185, રીપીટર ત્રણ વિષય માટે 220 ફી હતી તે વધારીને 240 અને ત્રણથી વધુ વિષય માટે જે ફી 315 હતી તે વધારીને 345 કરવામા આવી છે. જ્યારે તમામ વિષયની પરીક્ષા આપવા માંગતા ખાનગી વિદ્યાર્થી માટે 665 રૂપિયા ફી હતી જે વધારીને 730 કરવામા આવી છે. ધો.12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી જે અગાઉ ગત વર્ષે 550 હતી તે વધારીને 605 કરવામા આવી છે.રીપિટર એક વિષયની 165થી વધઆરી 180,બે વિષયની 275થી વધારી 300, ત્રણ વિષય માટે 385થી વધારી 420 અને ત્રણ વિષય કરતા વધુ વિષયની પરીક્ષા માટે 550થી વધારી 605 રૂપિયા ફી કરવામા આવી છે. સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષામાં દરેક વિષય માટે પ્રાયોગિક ફી જે 100 રૂપિયા હતી તે વધારી 110 કરવામા આવી છે.ધો.12 સામાન્ય પ્રવાહમાં 2020માં પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓ માટે 490 રૂપિયા પરીક્ષા ફોર્મ ફી કરવામા આવી છે.જે અગાઉ ગત વર્ષે 445 હતી. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓ માટે 790 રૂપિયા ફી હતી જે વધારીને 2020ની પરીક્ષા માટે 870 કરવામા આવી છે.આમ દરેક પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવામા આવ્યો છે.ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની કેટેગરીમાં રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી નિયમિત કેટેગરીમાં રીપિટર વિદ્યાર્થીઓ જેટલી જ રાખવામા આવી છે.

સંબંધિત સમાચાર

Next Article