Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

શનિવાર, 30 નવેમ્બર 2024 (19:35 IST)
Cyclone Fengal: - ચક્રવાત ફેંગલ આજે એટલે કે 30 નવેમ્બરની સાંજે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. દરમિયાન તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.
 
ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને શનિવારે સાંજે 7 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગો એરલાઈન્સે ચેન્નાઈ આવતી તમામ ફ્લાઈટોને ડાયવર્ટ કરી દીધી છે. ભારે વરસાદને કારણે તમિલનાડુના નવ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

 
દરિયાકિનારા પર સુરક્ષામાં વધારો
 
પ્રશાસને પુડુચેરીના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે. પુડુચેરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાઈવાનને આ વિસ્તારના દરિયાકિનારા અને દરિયાકાંઠાના રસ્તાઓની મુલાકાત લીધી હતી. તમિલનાડુના લોકોને ચેન્નાઈના મરિના બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઈલિયટ બીચ સહિતના દરિયાકિનારાની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે.
 
ચક્રવાત ફેંગલને કારણે સાવચેતીના પગલા તરીકે પુડુચેરીમાં પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 300 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. IMD અનુસાર, શનિવારે સવારે પુડુચેરીમાં હળવો વરસાદ પડ્યો હતો. તમિલનાડુના માર્કનમ, વિલુપ્પુરમમાં ભારે વરસાદ અને જોરદાર પવન ચાલુ છે. ચેન્નઈના બેસંત નગર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે.
 
ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન 
ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂ વોશરમેનપેટ, જેમિની ફ્લાયઓવર અને માઉન્ટ રોડ વિસ્તારોમાં પગની ઘૂંટી સુધી પાણી ભરાઈ ગયું છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચેન્નાઈમાં શુક્રવાર રાતથી લઈને આજ સવાર સુધી સતત ભારેથી મધ્યમ વરસાદ થયો હતો. IMD અનુસાર, ચક્રવાત 'ફેંગલ' સૌપ્રથમ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે સાંજ સુધીમાં ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
 
અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ  
 
IMDએ કહ્યું કે હવામાન વિભાગ ચેન્નાઈ, શ્રીહરિકોટા અને ચેન્નાઈ ખાતે ડોપ્લર હવામાન રડાર ઉપરાંત સેટેલાઇટ અવલોકનો દ્વારા ચક્રવાત ફેંગલનું સતત નિરીક્ષણ કરી રહ્યું છે. IMD અનુસાર, ચક્રવાત આજે સાંજે ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણ રાજ્યોના વિવિધ ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર