મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલનું સમર્થન કરતાં કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે લોકોમાં રોષ ફેલાયો હતો. તાજેતરમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે,આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર,ચીફ ઓફિસર પણ જવાબદાર છે.
જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવીને તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે. તો કેમ માત્ર ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરાઈ રહ્યું છે. SITએ માત્ર એક તરફી તપાસ કરીને ઓરેવા ગ્રુપને હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યું છે.
અમારી માંગ છે કે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે. સામાજિક સંસ્થાઓને એકત્ર કરી અમારી વાત સરકાર સમક્ષ મુકીશું. આ નિવેદન સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે,કોંગ્રેસ જયસુખ પટેલના બચાવમાં ક્યારેય ના હોઈ શકે. અમારા ત્રણેય નેતાઓના નિવેદન સાથે પક્ષ સંમત નથી. આ સમર્થનની વાત ત્રણેય નેતાઓની વ્યક્તિગત લાગણીઓ હોઈ શકે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કારણે ગુજરાતના લોકોએ ભોગવવું પડ્યું છે કોઈપણ સંજોગોમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ