જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા, જેમાંથી બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટને ઈજા થઈ છે પરંતુ તેઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સેનાના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના કિશ્તવાડના મારવાહ વિસ્તારમાં બની હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ સંબંધિત પ્રાથમિક માહિતી મળી છે પરંતુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.