બાંગ્લાદેશ : 'હિંદુઓ ફરીથી નિશાન બનાવાઈ રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા કંઈ બચ્યું નથી'

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:09 IST)
શેખ હસીનાએ બાંગ્લાદેશનાં વડાં પ્રધાનપદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો એના થોડા કલાકો બાદ રાજધાની ઢાકામાં રહેતા એક શખ્સને તેમના સંબંધીએ ગભરાઈને ફોન કર્યો હતો.
 
અવિરૂપ સરકાર એ બાંગ્લાદેશી હિંદુ છે, જે 90 ટકા મુસલમાન વસતિ ધરાવતા બાંગ્લાદેશમાં રહે છે. અવિરૂપનાં બહેનના પતિનું અવસાન થઈ ચૂક્યું છે અને તેઓ એક મોટા સંયુક્ત પરિવારમાં રહે છે. આ પરિવાર ઢાકાથી 100 કિલોમીટર દૂર નદીઓથી ઘેરાયેલા નેત્રોકોનામાં રહે છે.
 
અવિરૂપ સરકારે મને એ ફોન કૉલ અંગે જણાવ્યું, "બહેન ડરેલી જણાતી હતી. એના ઘર ઉપર ટોળાએ હુમલો અને લૂટપાટ કર્યાં હોવાનું એણે મને જણાવ્યું."
 
તેમનાં બહેને એવું પણ જણાવ્યું કે લાકડી-ડંડા સાથે લગભગ 100 લોકોનું ટોળાએ એમના ઘરમાં ઘૂસીને ફર્નિચર, ટીવી સાથે બાથરૂમ ફિટિંગ્સ સુધ્ધાં તોડી નાખ્યાં. ઘરના દરવાજા પણ તોડી નાખ્યા.
 
ઘરથી નીકળતાં પહેલાં એ લોકો ઘરમાં રાખેલાં તમામ રૂપિયા અને ઘરેણાં લૂંટી ગયા. ગનીમત એ રહી કે ટોળાએ 18 લોકોના એ હિંદુ પરિવારમાં કોઈ સાથે મારપીટ ના કરી. એ 18 લોકોમાં છ બાળકો પણ સામેલ હતાં.
 
લૂંટનો સામાન લઈ જતાં પહેલાં એ લોકો ત્રાડુક્યા હતા, "તમે લોકો અવામી લીગના વંશજો છો. તમારા લીધે આ દેશની હાલત ખરાબ છે. તમારે દેશ છોડી દેવો જોઈએ."
 
અવિરૂપ સરકારે મને જણાવ્યું કે તેમને આઘાત ચોક્કસથી લાગ્યો પણ તેઓ માટે આ ઘટના એટલી પણ ચોંકાવનારી નહોતી.
 
તેઓ જણાવે છે કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓને સામાન્ય રીતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગના સમર્થક ગણવામાં આવે છે અને તેમના ઉપર આ ઇસ્લામિક દેશમાં સતત વિરોધીઓ તરફથી હુમલાઓ થતા રહે છે.
 
શેખ હસીના દેશ છોડીને જતાં રહ્યાં એ બાદથી સોશિયલ મીડિયામાં હિંદુઓની સંપત્તિ અને મંદિરો પર હુમલાઓ સંબંધિત સમાચારોનું પૂર આવવા લાગ્યું છે.
 
ભારતના વિદેશમંત્રી એસ. જયશકરે 6 ઑગસ્ટે સંસદમાં જણાવ્યું હતું, "જે વાત સૌથી વધારે ચિંતા જન્માવનારી છે, એ ત્યાં રહેતા લઘુમતીઓની છે. તેમની દુકાનો અને મંદિર પર કેટલીય જગ્યાએ હુમલા થયા હોવાની જાણકારી મળી છે. જોકે, આ અંગે હજુ સુધી સંપૂર્ણ જાણકારી મળી નથી."
 
જોકે, આ બધા વચ્ચે કેટલાય મુસ્લિમ યુવાનો આ બર્બરતાને રોકવા માટે હિંદુ ઘરો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા માટે આગળ આવી રહ્યા છે.
 
અવિરૂપ સરકારે મને જણાવ્યું, "બાંગ્લાદેશી હિંદુઓ સરળતાથી નિશાન બની જાય છે. જ્યારેજ્યારે આવામી લીગ સત્તા ગુમાવે છે, એમના (હિંદુઓ) પર હુમલાઓ થાય છે."
 
વળી, અવિરૂપનાં બહેનના ઘર ઉપર હુમલો થયો હોય એવું પ્રથમ વખત નથી બન્યું. બાંગ્લાદેશના લઘુમતીઓ ઉપર 1992માં પણ એ વખતે હુમલાઓ થયા હતા, જ્યારે ભારતના અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરી દેવાઈ હતી. એ વખતે પણ અવિરૂપનાં બહેનના ઘરે લોકોના ટોળાએ તોડફોડ કરી હતી.
 
હિંદુઓની સુરક્ષા કરતા મુસલમાન
બાંગ્લાદેશના એક માનવાધિકાર સમૂહ 'આઇન ઓ સાલિશ કેન્દ્ર'ના આંકડા અનુસાર જાન્યુઆરી 2013થી લઈને સપ્ટેમ્બર 2021 વચ્ચે હિંદુ સમુદાય ઉપર 3,679 હુમલાઓ થયા. એમાં તોડફોડ, આગચંપી અને નિશાન બનાવીને કરાયેલી હિંસા સામેલ છે.
 
વર્ષ 2021માં હિંદુ લઘુમતીઓનાં ઘર અને મંદિરો ઉપર દૂર્ગાપૂજા દરમિયાન થયેલા હુમલા બાદ માનવાધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું, "બાંગ્લાદેશમાં ગત કેટલાંય વર્ષોથી લોકો પર સતત હુમલા, સાંપ્રદાયિક હિંસા અને લઘુમતીઓનાં ઘર-પૂજાસ્થળોને બરબાદ કરવું - આ દર્શાવે છે કે આ દેશ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો છે."
 
સોમવારે અવિરૂપ સરકારના પરિવારના અન્ય સભ્યોને પણ હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
 
ઢાકાથી લગભગ 120 કિલોમીટર દૂર કિશોરગંજમાં તેમનાં માતાપિતાના ઘરને હિંસાથી બચાવી લેવાયું હતું. આ અંગેનું કારણ તેઓ જણાવે છે, "કેમ કે અમારો પરિવાર ત્યાં જાણીતો છે અને પાડોશમાં અમે સૌને જાણીએ છીએ."
 
અવિરૂપ સરકાર કહે છે કે તેમનાં માતા શાળા ચલાવે છે. તેમના એમના બિઝનેસ પાર્ટનરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે લોકો હુમલો કરવા માટે સંપત્તિની યાદી બનાવી રહ્યા છે.
 
પાર્ટનરે ઉમેર્યું, "આપનું નામ એ યાદીમાં નથી પણ તમે થોડું ધ્યાન રાખજો."
 
બાદમાં અવિરૂપના પિતાએ જોયું કે એક નાનું ટોળું એમના ઘરની બહાર લોખંડના દરવાજા પાસે એકઠું થઈ રહ્યું હતું. એ બાદ એમણે પરિવારને અંદર બંધ કરી દીધો હતો.
 
અવિરૂપ જણાવે છે, "મારા પિતાએ કોઈને કહેતા સાંભળ્યા હતા કે ત્યાં ના જાઓ, ત્યાં કંઈ નથી કરવાનું." એ બાદ ટોળું વિખેરાઈ ગયું.
 
જોકે, થોડા અંતરે કિશોરગંજના નોગુઆ વિસ્તારમાં હિંદુઓનાં ઘરોમાં લૂટફાટના સમાચાર આવ્યા.
 
સરકાર કહે છે, "મેં સાંભળ્યું છે કે ત્યાં લગભગ 20-25 ઘરો પર હુમલા થયા. મારા હિંદુ મિત્રની સોનાની દુકાનમાં લોકો ઘૂસ્યા અને તમામ ઘરેણાં લૂંટી ગયા."
 
ઢાકાથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં શેરપુર જિલ્લાના એક વિસ્તારમાં અવિરૂપ સરકારનાં પત્નીના ઘર પર પણ જોખમ તોળાવા લાગ્યું હતું.
 
જોકે, એમના ઘરે હુમલો નહોતો થયો પણ ટોળાએ એમની પડોશમાં આવેલું એક હિંદુ ઘર લૂંટી લીધું હતું. સારી વાત એ રહી કે જેવી જ હિંસાની ખબર ફેલાઈ, સ્થાનિક મુસલમાનોએ હિંદુ ઘરો અને મંદિરોની ચોતરફ સુરક્ષાઘેરો બનાવી લીધો.
 
તેઓ જણાવે છે, "સમગ્ર બાંગ્લાદેશમાં આવું થઈ રહ્યું છે. મુસ્લિમોએ હિંદુઓની સંપત્તિનું રક્ષણ કર્યું છે."
 
જોકે, આ બધું અહીં જ ખતમ નથી થયું. સોમવારની રાત થતાંથતાં અવિરૂપ સરકારના દસ માળના ઍપાર્ટમેન્ટની બહાર લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું હતું.
 
અવિરૂપ પત્ની અને બાળકી સાથે અહીં રહે છે. અવિરૂપને લાગે છે કે એ લોકો બિલ્ડિંગમાં રહેતા અવામી લીગના એક કાઉન્સિલરને શોધવા માટે ત્યાં આવ્યા હતા.
 
સરકાર જણાવે છે, "હું છઠ્ઠા માળની બાલ્કનીમાં આવ્યો અને જોયું કે ટોળું ઇમારત પર પથ્થરો ફેંકી રહ્યું હતું અને દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દરવાજા સારી રીતે બંધ હતા એટલે એ લોકો અંદર પ્રવેસી ના શક્યા. પાર્કિગમાં કેટલીક ગાડીઓ અને બારીઓના કાચને નુકસાન થયું."
 
અવિરૂપનાં બહેને જણાવ્યું કે તેમના પરિવારને ભય છે કે વધારે હુમલાઓ થઈ શકે એમ છે.
 
તેમણે સૈન્યના પોતાના મિત્રોને ફોન કર્યો અને અપીલ કરી કે સૈન્યનું વાહન એમના પાડોશમાં સતત પેટ્રોલિંગ કરતું રહે. તેઓ કહે છે, "ભારે પીડાદાયક સમય છે. અહીં કોઈ કાયદો-વ્યવસ્થા નથી અને અમને ફરીથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article