ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં

મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (14:51 IST)
gujarati news

બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ કટોકટીની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે પણ 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ અહીં આવ્યા નથી.અત્યારે હાજર 20 વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ જાણ કર્યાં વિના અમદાવાદ છોડી શકશે નહીં.

ગુજરાત યુનિવર્સિટીમાં UG,PG અને PHDમાં 20 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઇમરજન્સીની સ્થિતિ ઊભી થતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને બોલાવીને બેઠક કરવામાં આવી હતી.કુલપતિ નીરજા ગુપ્તાએ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે બેઠકમાં વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કેટલીક સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યા છે.

બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હોય અથવા કોઇ મુશ્કેલી હોય તો તે અંગે પણ જાણ કરવા જણાવ્યું છે. કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ સૂચના આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અમદાવાદ ના છોડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અમદાવાદ છોડે તો યુનિવર્સિટીના જાણ કરીને છોડે તેમ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને બે મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ કારણસર વિદ્યાર્થીઓ દ્વારા ફોન ન લાગે તો વિદ્યાર્થીઓ પાસેથી પણ વધારાનો એક નંબર લેવામાં આવ્યો છે, જેથી ઇમરજન્સીના સમયમાં સંપર્ક થઈ શકે.વિદ્યાર્થીઓ સાથે કેટલીક વિદ્યાર્થિનીઓ હોવાથી તેમને ફિમેલ ગાર્ડનો પણ નંબર આપવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર રિએક્ટ ના કરવા સૂચના આપવામાં આવી છે. તેની સાથે સાથે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા અને સરકારી એડવાઈઝરીનું પાલન કરવા તથા પરિવારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. બાંગ્લાદેશથી તેમને કોઈ સૂચના મળે તો યુનિવર્સિટીના જાણ કરવા પણ જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર