વિવાદીત ટિપ્પણી કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર કેન્દ્રીય ચૂંટણીપંચે ત્રણ દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી રહ્યાં છે. ચૂંટણીપંચના પ્રતિબંધને પગલે યોગી આદિત્યનાથના ગુજરાત પ્રવાસ રદ થઇ શકે છે. 18મી એપ્રિલે યોગી આદિત્યનાથ ભરૂચ અને આણંદમાં જનસભા સંબોધવાના હતાં. યોગી આદિત્યનાથ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેઓ ફરી ગુજરાતમાં સભા સંબોધી ચૂંટણી પ્રચારને વેગિલો બનાવશે પણ વિવાદીત નિવેદનને લીધે તેઓ વિવાદમાં ફસાયા છે.કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ ફરમાવતાં યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે છે. ભરૂચ અને આણંદની જાહેરસભાઓ રદ થવાની પૂરેપૂરી સંભાવના છે. મંગળવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ છોટાઉદેપુર લોકસભા બેઠક પર પાવાગઢ બાયપાસ રોડ પર સભા સંબોધિત કરશે. આ ઉપરાંત ગાંધીનગર ભાટ ગામ પાસે શગુન પાર્ટી પ્લોટ ઉપરાંત રાત્રે સરસપુરમાં સભાને સંબોધશે.અમદાવાદ પૂર્વ અને છોટા ઉદેપુર લોકસભા નિર્વાચન ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની 16મી અને 17 મી એપ્રિલે ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે. શિવરાજ ચૌહાણ મંગળવારે સવારે દસ વાગ્યે છોટાઉદેપુરના હાલોલ વિસ્તારમાં અને સાંજે સાડા સાત વાગ્યે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલા ભાટ ગામે જાહેર સભાને સંબોધન કરશે. તેમ જ બાપુનગર વિસ્તારમાં રાતે નવ વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે.