ટિકિટના મુદ્દે ભાજપમાં અસંતોષની જવાળા ભભૂકી છે તેમાં ય પાટીદાર નેતાઓમાં ય નારાજગી છે. સામાજીક પ્રભુત્વ ધરાવતાં પાટીદારોની ધરાર અવગણના કરવામાં આવતાં હવે ભાજપ વિરુધ્ધ અડરકરંટ માહોલ જામ્યો છે. ભાજપને રાજકીય સબક શિખવાડવાના ભાગરુપે નારાજ પાટીદારો આગેવાનો હવે અનામત આંદોલનકારીઓના સીધા સંપર્કમાં છે. સૂત્રોના મતે, છેલ્લા બે દિવસથી પાટીદાર આગેવાનોની બેઠકો ચાલી રહી છે. ખોડલધામ , સિદસર , ઉંઝા સહિતની પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ખાનગીમાં બેઠકો યોજી રહ્યાં છે. મહેસાણા , અમદાવાદ પૂર્વ ઉપરાંત ઉંઝામાં પાટીદાર આગેવાનોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વમાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ અપાઇ પણ પાટીદાર આગેવાન સી.કે.પટેલને ટિકિટ અપાઇ નહી . મહેસાણામાં જીવાભાઇ પટેલ સહિત ઘણાં પાટીદાર નેતાઓની બાદબાકી કરી પૂર્વ મંત્રી અનિલ પટેલના પત્નિ શારદાબેન પટેલને ટિકિટ અપાઇ છે. આ જ પ્રમાણે, પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની ઘણી રજૂઆત છતાંય પક્ષપલટુ આશા પટેલને જ ટિકિટ અપાઇ છે. આમ,ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિ સામે રોષ ભભૂક્યો છે. પાટીદાર આગેવાનોએ હવે અંદરખાને ભાજપના વિરોધીઓનો હાથ ઝાલવા નક્કી કર્યુ છે.પાટીદાર યુવાઓને ભાજપને મત નહી આપવા અભિયાન છેડવા આયોજન કરાઇ રહ્યુ છે જેના લીધે ફરી એકવાર આંદોલનકારીઓને મેદાને ઉતારવા પરદા પાછળનો ખેલ થઇ રહ્યો છે. દસેક બેઠકો પર પાટીદાર મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભાજપને પાઠ ભણાવવા ભાજપવિરોધીઓને મેદાને ઉતારવા રણનીતિ ઘડાઇ રહી છે. સોશિયલ મિડિયામાં ય ભાજપ સામે મોરચો માંડવા તૈયારીઓ થઇ ચુકી છે. પાટીદાર આગેવાનોનુ કહેવુ છેકે, ભાજપ પાટીદાર ધાર્મિક,સામાજીક સંસ્થાઓમાં ભાગલા પાડો,રાજ કરોની નીતિ રમી રહ્યુ છે જેથી સમાજમાં રોષ છે. ગુરુવારે ફરી એકવાર પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી રહી છે તેમાં શું નિર્ણય લેવાય છે તેના પર ભાજપની નેતાગીરીની ય નજર મંડાઇ છે. અત્યારે સોશિયલ મિડિયામાં ભાજપને પાઠ ભણાવો તેવા અભિયાનની શરુઆત થઇ ચૂકી છે.