પતિ, પરીણિતા અને તેમના બાળકને ઘરમાંથી કાઢી મુક્યાં
પરીણિતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં પારિવારિક ઝગડાઓ વધી રહ્યાં છે. જેમા પરીણિતાને અસહ્ય ત્રાસ અપાયાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં મિલકતને લઈને થયેલી બબાલમાં સાસુ, જેઠ અને તેની પ્રેમિકાએ પરીણિતાને જબરદસ્તીથી ફિનાઈલ પીવડાવી દીધું હતું. તે ઉપરાંત પરીણિતા, તેનો પતિ અને બાળકને ઘરમાંથી બહાર કાઢી મુક્યાં હતાં.
મિલકત બાબતે પરીણિતા અને તેના પતિને ત્રાસ અપાતો હતો
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં જેઠ અને તેમની પ્રેમિકા તથા સાસુ એમ ત્રણેય વ્યક્તિ ભેગા મળીને પરીણિતાને જબરદસ્તીથી ફિનાઈલ પીવડાવ્યું હતું. જેઠ મિલકત બાબતે નાના ભાઈ અને તેની પત્ની સાથે ઝગડા કરીને ત્રાસ આપતો હતો. પાંચ દિવસ પહેલાં પરીણિતા તેના બાળક અ પતિને ઘરમાંથી સાસરિયાઓએ કાઢી મુક્યાં હતાં. આ અંગે પરીણિતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જેઠ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
ઘરમાંથી કાઢી મુકતાં પરીણિતા પિયર રહેવા ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મેઘાણીનગરમાં રહેતાં માનસી બહેને ( નામ બદલ્યું છે) વર્ષ 2010માં દિપેનભાઈ ( નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના છ મહિના બાદ સાસુ, જેઠ અને તેની પ્રેમિકા માનસીબેન સાથે નાની નાની વાતે ઝગડો કરતાં હતાં. સપ્ટેમ્બર માસમાં માનસીબેનના જેઠે મકાનની મિલકત બાબતે માનસીબેન અને તેમના પતિ સાથે ઝગડો કર્યો હતો. જેથી માનસીબેન તેના પતિ અને બાળકો સાથે થોડા સમય માટે પિયરમાં રહેવા જતાં રહ્યાં હતાં.
સાસુએ ગંદી ગાળો બોલીને ઝગડો કર્યો હતો
પિયરમાંથી ત્રણેય જણા પરત આવતાં સાસુએ કહ્યું કે, કેમ પાછા આવ્યાં છો? તેમ સવાલ કરીને બિભત્સ ભાષામાં વાત કરીને ઝગડો કર્યો હતો. બીજા દિવસે જેઠ અને તેની પ્રેમિકાએ માનસીબેનને પકડી રાખતા સાસુએ ફિનાઈલ પીવડાવી દીધું હતું. માનસીબેને આ સમગ્ર ઘટનાની જાણ તેમના પતિને કરતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ત્યારે આ સમયે માનસીબેને સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી નહોતી. 19 નવેમ્બરે બપોરના સમયે માનસી, તેમના બાળક અને પતિને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતાં. આ અંગે માનસીબેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સાસુ, જેઠ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.