જમીન માલિકના ડુપ્લીકેટને દસ્તાવેજ માટે લઈ જતાં ભાંડો ફૂટ્યો, બે લોકોની ધરપકડ

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2024 (16:42 IST)
news in gujarati
ગુજરાતમાં ભૂમાફિયાઓ વધુ સક્રિય થયાં છે. સુરત શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિની 40 વિઘા જમીન કબજે કરીને ભૂમાફિયાઓએ વેચી નાંખી હોવાનો પર્દાફાશ થયો છે. પાંચ લોકોએ જમીનના માલિક જેવા દેખાતા વ્યક્તિને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે રજૂ કર્યો ત્યારે પોલીસે પાંચેય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 100 કરોડની વેલ્યુએશન વાળી 40 વિઘા જમીનમાંથી આરોપીઓએ 14 વિધા જમીન વેચવાના હતા અને જમીન ખરીદનાર પાસેથી તેમણે 3.41 કરોડ રૂપિયા એડવાન્સમાં લઈ લીધા હતાં. 
 
જમીન માલિકે શંકા જતા વાંધા અરજી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના ભેસાણમાં પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરૂષ રૂસ્તમજીની કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા હજીરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બે ભૂમાફિયાઓ ગયા હતા. કુરૂષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.  તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાઅરજી કરી હતી. સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને કુરૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર નકવી અને સાક્ષી માસ્ટરમાઈન્ડ મુકેશ મેંદપરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
 
બે આરોપીઓ પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર
આ મુદ્દે DCP વિજયસિંહ ગુર્જરે મીડિયાને જણાવ્યું હતું કે, વૃદ્ધ પારસીની ભેંસાણ ગામની 40 વિઘા જમીન છે. તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીનના દસ્તાવેજ અંગે વાંધાઅરજી કરી હતી. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ ભૂમાફિયાઓ આવ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી. દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોમાંથી મુળ માલિક તરીકે આવેલો ઝાકીર નકવી મુળ વેરાવળનો વતની છે તેની તથા અન્ય જમીનદલાલ મુકેશની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યાં હાજર પીયૂષ શાહ અને અકબર નામની વ્યક્તિ પોલીસ પહોંચે એ પહેલાં ફરાર થઈ ગયાં હતાં. 
 
14 વિઘા જમીનનો દસ્તાવેજ કરવા ગયા અને પકડાયા
DCP વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલથી જ પારસી વૃદ્ધની આ જમીન પર નજર રાખી હતી. તેમણે પહેલા એક આવી વ્યક્તિની શોધ કરી છે, જે જમીનના મૂળ માલિક જેવા દેખાતો હોય, આ ષડયંત્રમાં અકબર નામની વ્યક્તિએ મદદ કરી અને મૂળ વેરાવળના એક શખસને લઈ આવ્યો હતો. જે મૂળ માલિક જેવો દેખાતો હતો. જે-તે વ્યક્તિના નામ પરથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યાર પછી આધારકાર્ડ, પાનકાર્ડ અને વોટર આઇડી બોગસ બનાવ્યું હતું.3 કરોડ 41 લાખ સામેવાળી પાર્ટી પાસેથી પોતાના બેંક એકાઉન્ટમાં રિસીવ પણ કરી લીધા. તેઓ 14 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવવા જઈ રહ્યા હતા અને સબ-રજિસ્ટ્રારની કચેરી પહોંચ્યા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. અમે અન્ય પાસાની પણ તપાસ કરી રહ્યા છીએ.

સંબંધિત સમાચાર

Next Article