Cricketer Ravindra Jadeja's sister Nayanaba
મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા છેલ્લા બે સપ્તાહથી શહેરના જુદા-જુદા વોર્ડમાં 'મેયર તમારે દ્વાર' નામથી લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે રાજકોટમાં આજે વોર્ડ નંબર 11ના મલ્ટિ એક્ટિવિટી સેન્ટર પાર્કિંગમાં મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં લોકદરબાર યોજાયો હતો. જેમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા.પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માગ પણ કરવામાં આવી હતી.જેમાં કોંગ્રેસના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ સફાઈ સહિતના વિવિધ સવાલો ઉઠાવ્યા હતા.
આ કોઈ રાજકીય અખાડો નથી અહીં રાજકારણ થવું જોઈએ નહીં
આ લોક દરબારમાં નયનાબાએ સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, શહેરમાં ચોમાસા પહેલા થતું પ્રિમોન્સૂનનું કામ ઝીરો છે. જડ્ડુઝ રેસ્ટોરન્ટ પાસે જોઈ આવો કચરા સાફ કરનારા કચરો સાફ કરી ત્યાં જ નાખી દે છે, ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મવડીને તમે RMCમાં ભેળવ્યું છે ત્યાં કોઈ તેનો રેકોર્ડ આપતા નથી. નયનાબાની દલીલ સાંભળીને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે રોષે ભરાઇ જણાવ્યું હતું કે, આ લોકો માટેનો દરબાર છે, કોઈ રાજકીય અખાડો નથી. ત્યારે અહીં રાજકારણ થવું જોઈએ નહીં.
સફાઈ સહિતના પ્રશ્ને સવાલો કરી હોબાળો કર્યો
નયનાબા જાડેજાએ લોક દરબારમાં રોડ-રસ્તાની ખરાબ હાલત તેમજ સફાઈ સહિતના પ્રશ્ને સવાલો કરી હોબાળો કર્યો હતો. જેને પગલે થોડીવાર માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ચૂપી સાધી હતી. પરંતુ બાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે નયનાબા લોકો માટે યોજાયેલા દરબારને રાજકીય અખાડો બનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મનપા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે પણ પ્રાથમિક સુવિધાઓ પ્રશ્ને રજુઆત કરી હતી. જેમાં રોડ-રસ્તા, સફાઈ અને પાણી પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી.