ઉત્તર ગુજરાતમાં 2022-23ની સરખામણીમાં 2024માં ઓછો વરસાદ, 15 ડેમ ખાલી ખમ

શનિવાર, 3 ઑગસ્ટ 2024 (13:54 IST)
ગુજરાતમાં વરસાદના બે દિવસના વિરામ બાદ ફરીવાર ધોધમાર વરસવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સરરેરાશ 63 ટકા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 45.25 ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં 44.68 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 86.47, સૌરાષ્ટ્રમાં 76.46 અને દક્ષિણ ગુજરાતમાં 73.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ વરસાદ 63.21 ટકા થયો છે. 

 
2022માં ત્રીજી ઓગસ્ટે કચ્છમાં 118.12, ઉત્તર ગુજરાતમાં 57.45, મધ્ય ગુજરાતમાં 62.53, સૌરાષ્ટ્રમાં 62.19 અને દક્ષિણ ગુજરાતમાં 83.16 સાથે રાજ્યમાં કુલ 70.68 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2023માં ત્રીજી ઓગસ્ટે કચ્છમાં 135.72, ઉત્તર ગુજરાતમાં 66.70, મધ્ય ગુજરાતમાં 63.19, સૌરાષ્ટ્રમાં 109.28 અને દક્ષિણ ગુજરાતમાં 69.48 સાથે રાજ્યમાં કુલ 79.37 ટકા વરસાદ નોંધાયો હતો. 2022 અને 2023ની સરખામણીમાં 2024માં ત્રીજી ઓગસ્ટે કચ્છમાં 86.47, ઉત્તર ગુજરાતમાં 45.25, મધ્ય ગુજરાતમાં 44.68, સૌરાષ્ટ્રમાં 76.46 અને દક્ષિણ ગુજરાતમાં 73.92 સાથે રાજ્યમાં કુલ 63.21 ટકા વરસાદ નોંધાયો છે. 
 
206 જળાશયોમાં 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141માં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં  44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર