તોડફોડ બાદ સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું, પોલીસે રાયોટિંગના બે કેસ નોંધ્યા

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:22 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અમદાવાદમાં અટકાયત બાદ પાસના કાર્યકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેને પગલે રાજ્યભરમાં પાટીદારો વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબી લડત ચાલ્યા બાદ ક્રાઈમ બ્રાંચે જામીન પર હાર્દિકને છોડ્યો હતો. ત્યારબાદ સુરતમાં સાંજે 9 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજીક તત્વો દ્વારા સુરતમાં તોડફોડની બાદ આગચંપીની ઘટના ઘટી હતી. અજાણ્યો શખ્સોએ 2 બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી. જ્યારે એક બીઆરટીએસ બસને આગ લગાડી દેતા શહેરમાં અજંપાભરી સ્થિતિ ઉભી થઈ હતી. આ ઘટના બાદ સરથાણા પોલીસમાં અજાણ્યા લોકો સામે બે ગુના દાખલ કર્યા છે. 15થી વધુ બાઇક ઉપર આવેલા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાંજે સુરતમાં કેટલીક ઠેકાણે રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. જેને પગલે યોગીચોક, પુણા અને સરથાણા વિસ્તારમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે અસામાજીક તત્વોની શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે યોગીચોક વિસ્તરામાં એસઆરપી ખડકી દેવામાં આવી છે. કોઇ અઘટીત ઘટના ન બને તે માટે એસઆરપીના 50 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસની હદમાં એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. હાર્દિકની અટકાયત બાદ સુરત સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. વરાછામાં હાર્દિક પટેલના સમર્થકો ઉગ્ર બન્યા હતા. કેટલાક સ્થળોએ તોડફોડ કરી હતી. ત્યાર બાદ કેટલાકે કાયદો હાથમાં લેતા શહેરમાં બીઆરટીએસ રુટ બંધ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોબિંગ હાથ ધર્યું છે. હાર્દિકની અટકાયતના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે. જિલ્લા પાટીદાર કાર્યકરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપ્યું હતું. હાર્દિકને મુક્ત નહીં કરાય તો ઉગ્ર આંદોલન માટે ચીમકી પણ ઉચ્ચારી છે.

સંબંધિત સમાચાર

Next Article