છેલ્લા બે વર્ષથી અને ખાસ કરીને છ મહિનાથી ભાજપ માટે પ્રથમ વખત ચૂંટણી જીતીને પોતાની ઈજ્જતને બચાવવાનો સવાલ ઊભો થયો છે. આવી સ્થિતિને કારણે જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં મહિનામાં બે થી ત્રણ વખત આવવાની ફરજ પડી રહી છે. સૌરાષ્ટ્રમાંથી પણ ભાજપની ગૌરવ યાત્રાને પ્રજાને જાકારો આપતાં ભાજપનાં લાખો આગેવાનો-કાર્યકરોને હવે ભાજપ ચૂંટણી જીતી શકશે એવો વિશ્વાસ રહ્યો નથી. એકબાજુ ભાજપનાં અનેક નેતાઓ વચ્ચે આંતરીક મતભેદ અને કલેહ ચાલી રહ્યાં છે ઉપરાંત કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોને લેવાતા આક્રોશ વધુ બળવત્તર બન્યો છે. જો તેઓને ટિકિટ અપાશે તો વર્ષોથી ભાજપ માટે દિવસ-રાત જોયા વગર કામ કરી રહેલા ભાજપનાં કાર્યકરો અને આગેવાનો જ તેને હરાવશે. ભાજપ દ્વારા ૧લી ઓક્ટોબરથી રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં ગૌરવયાત્રા યોજાઈ રહી છે. પરંતુ તેને ખાસ કંઈ પ્રતિસાદ મળ્યો નથી. એટલું જ નહીં ખુદ મુખ્યમંત્રી જ્યાંથી આવે છે તે સૌરાષ્ટ્રમાંથી પણ પ્રજાએ ગૌરવયાત્રાને જાકારો આપી દીધો છે. ઉપરાંત પાટીદારોનું આંદોલન યથાવત્ છે. દલિતો અને OBC સમૂદાયના લોકો પણ સરકાર સામે છે. રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ૧૬૦૦૦ ટકાના વધારા અંગેની વાત બહાર આવી છે. સરકાર રોજેરોજ નવી નવી જાહેરાતો કરતી હોવા છતાં પણ લોકોમાં ભાજપ માટેની સહાનુભૂતિ જોઈ શકાતી નથી. આવી પરિસ્થિતિને કારણે ભાજપના લાખો કાર્યકરો અને અગ્રણીઓ ભારે નિરાશામાં છે. આ બાબતની જાણ વડાપ્રધાન મોદીને પણ કરાઈ છે. ચૂંટણી આડે હવે માંડ દોઢ મહિના જેટલો સમય બચ્યો હોવાથી લાખો કાર્યકરો-આગેવાનોમાં નવું જોમ અને આત્મવિશ્વાસ ઉભો કરવો જરૃરી છે. જેના ભાગરૃપે ૧૬મી ઓક્ટોબરે ભાટ ગામ નજીક ભાજપનાં પેજ પ્રમુખોનું સંમેલન રખાયું છે. જેમાં ૮ થી ૧૦ લાખ કાર્યકરોને હાજર રાખવાનું આયોજન છે. સૂત્રો જણાવે છે કે વડાપ્રધાન મોદી પોતાના જાદૂઈ વક્તવ્યથી તેઓને ભાજપ ચૂંટણી જીતીને જાન્યુઆરીમાં ફરીથી સરકાર બનાવશે જ તેવો વિશ્વાસ અને ખાતરી આપશે. જો કે વડાપ્રધાન મોદી ચૂંટણી જાહેર થયા પછી પણ ગુજરાતમાં અનેક સ્થળોએ જાહેર સભાઓને સંબોધશે.