હાર્દિક પટેલના પૂણા પોલીસ સ્ટેશનના ઘેરાવ પહેલા ભાજપના બે કાર્યકરની ધરપકડ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
ડો.ઋત્વીજ પટેલની રેલીમાં હંગામા મામલે સુરત પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર બે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિક પટેલ અને પાસના કાર્યકરો પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે તે પહેલા ભાજપના બે કાર્યકરોની ધરપકડ કરી હતી, પણ તેમની સામે માંગુકીયા પર હુમલાના બદલે હળવી કલમો લગાડવામાં આવી છે. આમ, પોલીસ ભાજપના કાર્યકરોને છાવરવાનો પ્રયાસ કરી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપના કાર્યકરો કાંતી સાંગળીયા અને ઋષી પટેલની કલમ 151 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે, તેમ પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું. જોકે, હજુ સુધી વિજય માંગુકીય પર હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી નથી.પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ત્રીજા ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હાર્દિકે કહ્યું હતું કે, કોઈ પાર્ટીમાં જોડાયો નથી. ઠાકરેના આશીર્વાદ લેવા માટે ગયો હતો. હું શિવસેના નહીં પરંતુ પાટીદારોનો ચહેરો હોવાનું ઉમેર્યું હતું. ગત ગુરૂવારે સુરત આવેલા હાર્દિકે વિજય માંગુકીયા પર થયેલા હુમલાને લઈને કાર્યવાહી ન થાય તો પુણા પોલીસ સ્ટેશન ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી.  આજે હાર્દિક ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી પુણા પોલીસ સ્ટેશનનો ધેરાવ કરવા જશે તેવું આયોજન થયું છે. પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનું અગાઉથી જાહેર થઈ ગયું હોવાથી પાટીદારોમાં ભારે ઉતેજના છે. ત્યારે હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા અગાઉ મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થઈ ગયા હતાં. અને હાર્દિક પટેલ આવતાં જ સીધો ક્રાઈમ બ્રાન્ચની પાંચમાં માળે આવેલી ઓફિસમાં સહી કરવા માટે પહોંચી ગયો હતો. સહી કર્યા બાદ હાર્દિકે મીડિયાને જણાવ્યું હતું કે, તે ભગતસિંહને આદર્શ માને છે. સાથે તે કોઈ પાર્ટીમાં જોડાયો નથી. અને જોડાવાનો વિચાર પણ નથી. હાલ તે શિવસેના નહીં પરંતુ પાટીદાર સમાજનો ચહેરો છે. ભાજપ ભાગવાલાવાદી નીતિ બંધ નહીં કરે તો આગામી સમયમાં તેને પરચો મળી જશે. હાલ પાસ કોઈ પક્ષ સાથે જોડાયો ન હોવાની સ્પષ્ટતા કરતાં હાર્દિકે શિવસેનાના ઠાકરે સાહેબના આશીર્વાદ લેવા ગયો હોવાનું જણાવ્યું હતું. પુણા પોલીસ સ્ટેશના ઘેરાવની પાસ દ્વારા અગાઉ મંજૂરી માંગવામાં આવી હતી. જે નામંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં પાસ દ્વારા કોઈ અનિચ્છનિય કાર્યક્રમ અપાયા બાદ અઘટિત ઘટના ન બને તે માટે પુણા પોલીસ સ્ટેશન ફરતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો