પેરિસ ઑલિમ્પિક: મહિલા બૉક્સિંગની મૅચની એ 46 સેકન્ડ જેણે વિવાદ સર્જ્યો

Webdunia
શનિવાર, 3 ઑગસ્ટ 2024 (15:30 IST)
અલ્જિરિયાનાં ઈમાન ખલીફ અને ઇટાલીનાં એન્જેલા કૅરિની વચ્ચેની પેરિસ ઑલિમ્પિકની બૉક્સિંગ મૅચમાં વિવાદ થયો છે.
 
boxing vivad

25 વર્ષીય ખલીફે આ ગુરુવારે મહિલાના 66 કિલોવર્ગ બૉક્સિંગમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. જોકે, ઇટાલીનાં મહિલા બૉક્સર કૅરિને 46 સેકન્ડ પછી જ રિંગ છોડી દીધી હતી.
 
મૅચ પછી કૅરિનીએ કહ્યું, “મારો પોતાનો જીવ બચાવવો પડ્યો.”
 
ખલીફ પેરિસ ઑલિમ્પિકમાં એ બે ખેલાડીઓ પૈકીનાં એક છે જેમને ગયા વર્ષે નક્કી કરેલા માપદંડો પ્રમાણે યોગ્ય ન હોવાને કારણે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાની પરવાનગી મળી ન હતી.
 
જોકે, આ વખતે પેરિસ ઑલિમ્પિકમાં બંને ખેલાડીઓને પરવાનગી મળી છે.
 
અંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીએ કહ્યું કે વેલ્ટરવેટ કૅટેગરીમાં ખલીફને ભારતમાં મુકાબલા માટે એટલા માટે બહાર કરાયાં હતાં કે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે હતું.
 
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ વર્લ્ડ ચૅમ્પિયનશિપની આયોજનકર્તા ન હતી.
 
ઑલિમ્પિક મુકાબલામાં પહેલા રાઉન્ડમાં વૉકઓવર મળતા 25 વર્ષીય ખલીફ જ્યારે રિંગમાં ઊતર્યા ત્યારે દર્શકોમાં હાજર અલ્જિરિયાના પ્રેક્ષકોએ તેમનું તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું.
 
તે 46 સેકન્ડમાં શું થયું?
 
મૅચ શરૂ થઈ તેની 30 સેકન્ડની અંદર જ ઇટાલિયન બૉક્સરે ચહેરા પર સુરક્ષા માસ્ક પહેર્યું હતું ત્યાં એક મુક્કો લાગ્યો. તેઓ તરત જ પોતાના કોચ પાસે ગયાં અને મૅચ જ્યારે ફરીથી શરૂ થઈ તેની ગણતરીની સેકન્ડોમાં કૅરિની ફરીથી રિંગના ખૂણામાં ગયાં અને મૅચ છોડી દીધી.
 
ત્યાર બાદ ખલીફને જ્યારે વિજેતા જાહેર કરવામાં આવ્યાં ત્યારે કૅરિનીએ એવું કહ્યું કે આ યોગ્ય નથી.
 
ઇટાલીનાં બૉક્સર કૅરિની ગુરુવારની બૉક્સિંગ મૅચ પછી અત્યંત દુખી હતાં. તેમણે જણાવ્યું, “મેં મારી સુરક્ષા માટે મૅચ છોડી દેવાનો નિર્ણય કર્યો, કારણ કે મને પહેલાં આ પ્રકારનો ઝટકો લાગ્યો ન હતો.”
 
કૅરિનીએ બીબીસી સ્પૉર્ટ્સને જણાવ્યું, “હું મૅચ પૂરી ન કરી શકી, કારણ કે મને નાકમાં ભારે દુખાવાનો અનુભવ થયો.”
 
“મને આશા છે કે મારો દેશ મારા નિર્ણયને ખોટી રીતે નહીં જુએ. આશા રાખું છું કે મારા પિતા પણ આ નિર્ણયને ખોટી રીતે નહીં લે. આ મૅચ કદાચ મારા માટે જિંદગીની સૌથી મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ તે ક્ષણે મારે પોતાનો જીવ પણ બચાવવાનો હતો.”
 
“મને બીક ન હતી. હું બૉક્સિંગથી કે મુક્કાઓ ખાવાથી ડરતી નથી. પરંતુ દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને આ જ કારણે મેં મૅચ છોડી દીધી, કારણ કે હું વધારે લડવા માટે સક્ષમ ન હતી.”
 
ઇટાલીનાં વડાં પ્રધાન જૉર્જિયા મેલોનીએ ઇટાલીના મીડિયાને કહ્યું, “બરોબરીના આધારે મુકાબલાનો કોઈ અર્થ હોય છે. મારા મતે આ મુકાબલમાં બરાબરીના આધારે કોઈ વાત ન હતી.”
 
ખલીફ વિશે બીબીસી સંવાદદાતા સાથે વાત કરતાં કૅરિને કહ્યું, “હું ઇચ્છું છું કે તેઓ અંત સુધી લડે અને ખુશ રહે. હું એક એવી વ્યક્તિ છું જે કોઈને જજ કરતી નથી. હું અહીં લોકોને જજ કરવા માટે આવી નથી.”
 
ખલીફ પોતાના કરિયરમાં 50 મૅચો પૈકીની નવ મૅચ હારી ચૂક્યાં છે. તેમણે બીબીસી સ્પૉર્ટ્સને કહ્યું, “હું અહીં ગોલ્ડ મેડલ માટે આવી છું અને હું દરેક સામે બૉક્સિંગ મૅચ લડીશ.”
 
આ મુકાબલાના એક દિવસ પહેલાં અલ્જિરિયાની ઑલિમ્પિક સમિતિએ ખલીફ વિરુદ્ધ લાગેલા બધા જ આરોપને આધારવિહીન ગણાવ્યા હતા.
 
ઈમાન ખલીફ કોણ છે?
25 વર્ષીય ઈમાન ખલીફ અલ્જિરિયાના તિયારેતનાં રહેવાસી છે.
 
યુનિસેફનાં બ્રાન્ડ ઍમ્બૅસૅડર ખલીફે અત્યાર સુધી 50 મુકાબલા કર્યા છે અને નવમાં હાર મળી છે.
 
ખલીફના પિતા તેમની બૉક્સિંગ કરિયરની વિરુદ્ધ હતા, કારણ કે તેઓ માનતા કે મહિલાએ બૉક્સિંગમાં ન ઊતરવું જોઈએ.
 
ખલીફે 2018માં વર્લ્ડ ચૅમ્પિયનશિપથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેઓ 17મા સ્થાને રહ્યાં હતાં. 2019માં તેઓ નવમા સ્થાને રહ્યાં.
 
2021માં ટોક્યો ઑલિમ્પિકમાં ખલીફને આયરલૅન્ડનાં કેલિ હેરિન્ગટન સામે ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
 
મહિલાઓની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ એમી બ્રૉડથ્રસ્ટ સામે હાર્યાં અને બીજા સ્થાન પર રહ્યાં.
 
2022માં આફ્રિકન ચૅમ્પિયનશિપ, મેડિટેરેનિયન ગેમ્સ અને 2023ના અરબ ગેમ્સમાં તેઓ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.
 
નવી દિલ્હીમાં શું થયું હતું જ્યારે ખલીફને હટવું પડ્યું?
નવી દિલ્હીમાં આયોજિત ચૅમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ઍસોસિએશનના પ્રમુખ ઉમર ક્રેમલેવે કહ્યું હતું, “ડીએનએ ટેસ્ટના આધારે અમને ખબર પડી કે ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ અનેક રહેલાં બૉક્સરોએ ચાલાકીથી પોતાને મહિલા બૉક્સર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો. જોકે, ટેસ્ટ બાદ જાણકારી મળી તેમના શરીરમાં એક્સવાય ક્રોમોઝોન હતા. આ ખેલાડીઓને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે.”
 
જોકે, અલ્જિરિયાની ઑલિમ્પિક કમેટીએ આ નિર્ણય વિશે કહ્યું હતું કે ખલીફને ‘મેડિકલ કારણો’ને લીધે હટાવવામાં આવ્યાં હતાં.
 
જોકે, અલ્જિરિયાનું મીડિયા માને છે કે ખલીફને તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના વધારે પ્રમાણને કારણે હટાવાયાં હતાં.
 
આ નિર્ણયથી નારાજ ખલીફે કહ્યું હતું, “કેટલાક દેશો નથી ઇચ્છતા કે અલ્જિરિયા ગોલ્ડ મેડલ જીતે. આ એક મોટું કાવતરું છે. અમે આ વિશે ચૂપ નહીં રહીએ.”
 
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિનો જવાબ
 
2023માં ભારતમાં યોજાયેલી મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ખલીફના જેન્ડરનો મામલો સામે આવ્યો હતો.
 
આ પ્રકારના જ અન્ય એક કેસમાં ગયા વર્ષના વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તાઇવાનનાં લિન યુ-થિંગ પાસેથી કાંસ્યપદક પાછો લઈ લેવાયો હતો.
 
તેઓ જેન્ડર યોગ્યતા ટેસ્ટમાં અસફળ રહ્યાં હતાં. જોકે, તેઓ શુક્રવારે પેરિસ ઑલિમ્પિકમાં એક મુકાબલામાં ઊતર્યાં હતાં.
 
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ કહ્યું, “આ ખેલાડીઓ ઘણી વખત ટુર્નામેન્ટોમાં ભાગ લઈ ચૂક્યાં છે. તેઓ અહીં અચાનક આવ્યાં નથી. તેઓ ટોક્યો ઑલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂક્યાં છે.”
 
2023માં જે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી ખલીફ અને લીનને બહાર કરવામાં આવ્યાં હતાં તેનું આયોજન આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ઍસોસિયેશને કર્યું હતું.
 
જોકે, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિએ ગયા જૂન મહિનામાં રશિયાની આગેવાનીવાળા આ સંગઠનની માન્યતા રદ કરી હતી.
 
ટોક્યો અને પેરિસ ઑલિમ્પિકમાં બૉક્સિંગનું આયોજન ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિ જ કરાવી રહી છે.
 
ઇન્ટરનેશનલ બૉક્સિંગ ઍસોસિયેશનની તપાસમાં શું થયું?
ઇન્ટરનેશનલ બૉક્સિંગ ઍસોસિયેશને બુધવારે કહ્યું કે લિન અને ખલીફને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં, જેથી સ્પર્ધાની પારદર્શિતા અને વિશ્વનીયતા જળવાઈ રહે. જોકે, ટેસ્ટોસ્ટેરોનનો ટેસ્ટ લીધો ન હતો.
 
જોકે, આ માટે અલગ-અલગ માન્યતાપ્રાપ્ત થયેલા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં મહત્ત્વપૂર્ણ જાણકારીઓ ખાનગી રાખવામાં આવે છે.
 
આ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે લિન અને ખલીફ સ્પર્ધામાં ભાગ લેવા માટે નક્કી કરેલા માપદંડો પૂરા ન કરી શક્યાં. તેઓ બંને અન્ય મહિલા સ્પર્ધકો સામે મજબૂત સ્થિતિમાં હતાં.
 
જોકે, બીબીસી એ વાતની જાણકારી મેળવી શક્યું નથી કે યોગ્યતા ટેસ્ટ માટે કઈ વસ્તુનો ટેસ્ટ કરવામાં આવે છે.
 
લિન અને ખલીફનો ટેસ્ટ 2022માં ઇસ્તંબૂલમાં વર્લ્ડ ચૅમ્પિયશિપમાં થયો હતો અને પછી 2023માં થયો.
 
ઇન્ટરનેશનલ બૉક્સિંગ ઍસોસિયેશને કહ્યું કે લિને આ વિરુદ્ધ અપીલ કરી હતી. જોકે, ખલીફે પહેલા જ અપીલ કરી હતી, પરંતુ પાછળથી તેમણે અપીલ પાછી ખેંચી હતી.
 
આઈબીએના સીઈઓ ક્રિસ રૉબર્ટ્સે કહ્યું, “અમારી મેડિકલ સમિતિએ જે ચિંતા કરી હતી તેને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.”
 
તેમણે કહ્યું, “અમે એ જ નિર્ણય લીધો જે બૉક્સિંગ માટે યોગ્ય હતો. અમે જાણ્યું કે તેઓ મહિલા તરીકે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ્ય ન હતાં.”
 
તેમને પૂછવામાં આવ્યું કે શું આ ‘સેક્સ ટેસ્ટ’ જેવું છે? તેમણે જવાબ આપ્યો, “હાં, એક રીતે એવું જ છે.”
 
જો કોઈ બૉક્સરને નક્કી કરેલી યોગ્યતા અને ટેસ્ટની તુલનામાં વધારે વજનદાર કે તાકાતવર માનવામાં આવે તો તે સ્પર્ધામાં મહિલા કૅટેગરીમાં ભાગ ન લઈ શકે.
 
ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિના પ્રવક્તા માર્ક ઍડમ્સે કહ્યું, “આ ખેલાડીઓ અનેક વર્ષો પહેલાં પણ બૉક્સિંગમાં ભાગ લઈ ચૂક્યાં છે. તેઓ અચાનક ઑલિમ્પિકમાં નથી આવ્યાં.”
 
નિર્ણયની ટીકા
આઈઓસીએ બૉક્સિંગ એસોસિયેશનના નિર્ણયની ટીકા કરી છે.
 
આઈઓસીએ ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, “ખલીફ અને લિન આઈબીએ ઉતાવળે લીધેલા નિર્ણયનો શિકાર થયાં હતાં.”
 
આઈઓસીએ કહ્યું કે 2023ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આ બંને ખેલાડી લિન અને ખલીફને કોઈ પણ વિશેષ પ્રક્રિયા વિના બહાર કરી દેવામાં આવ્યાં હતાં.
 
આ બંને ખેલાડીઓ વિરુદ્ધ જે ગુસ્સો જોવા મળી રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ઍસોસિયેશનના નિર્ણયનું પરિણામ છે. આ નિર્ણય કોઈ પણ યોગ્ય પ્રક્રિયા વિના લેવાયો હતો.
 
આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે આ ખેલાડીઓ કેટલાંય વર્ષોથી મોટી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે.
 
“બૉક્સિંગ માટે ખૂબ જ ખરાબ”
બીબીસી રેડિયો ફાઇવના બૉક્સિંગ વિશ્લેષક સ્ટીવ બન્સે કહ્યું કે આ બૉક્સિંગ માટે ખૂબ જ ખરાબ છે. મને લાગે છે કે આ કારણે ઑલિમ્પિકમાં બૉક્સિંગને ઠેસ લાગશે.
 
આ વિવાદ ત્યારે થઈ રહ્યો છે જ્યારે ઑલિમ્પિકમાં બૉક્સિંગના ભવિષ્ય વિશે ચર્ચાઓ થઈ રહી છે.
 
બન્સે ઉમેર્યું, “રસપ્રદ વાત એ છે કે મૅચ પહેલાં તેમના કેટલાક પૂર્વ સ્પર્ધકો, સારા બૉક્સરો અને વિશ્વ તથા યુરોપીયન ચૅમ્પિયનોએ કહ્યું હતું કે ખલીફ ચીટર નથી.”
 
કૅરિનીએ કહ્યું, “મને ખલીફ માટે દુખ થાય છે અને તમને પણ થવું જોઈએ. તેઓ કેટલીક ચીજો વચ્ચે ફસાઈ ગયા છે. આ ભયાનક છે અને હજુ ખતમ થયું નથી.”
 
ખલીફનો આવનારો મુકાબલો હંગેરીનાં બૉક્સર અન્ના લુકા હમોરી સામે શનિવારે થશે. ખલીફ એ મૅચ જીતશે તો પેરિસ ઑલિમ્પિકમાં પદક પાક્કું થઈ જશે.
 
હમોરીએ બીબીસી સ્પૉર્ટ્સને કહ્યું કે જે પણ થાય પણ મારી માનસિકતા હાર માનવાની નથી. કૅરિનીએ વચ્ચે જ મૅચ છોડવા વિશે તેમણે કહ્યું એ તેમની મરજી હતી.
 
તેમણે કહ્યું, “જે પણ થાય હું છેલ્લે સુધી લડીશ. હું નથી જાણતી કે સત્ય શું છે. સાચું કહું તો મને ફરક પડતો નથી. હું બસ જીતવા ઇચ્છું છું.”
 
લોકો આ મામલે શું કહી રહ્યાં છે?
 
હૅરી પૉટર સિરીઝનાં લેખિકાએ ખલીફ મામલે ટિપ્પણી કરી હતી.
 
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “શું કોઈ તસવીર આપણા નવા પુરુષ આંદોલનને આ કરતા વધારે સારી રીતે બતાવી શકે? જે એક પુરુષની બનાવટી હાસ્યને જાણે છે તેને એક પુરુષવાદી ખેલ સંસ્થાનું સંરક્ષણ મળેલું છે. તે મહિલાના માથા મુક્કો મારીને તેનો આનંદ લઈ રહ્યા છે. તેઓ એ મહિલાની પીડાનો આનંદ લઈ રહ્યા છે જેની આશા પર તેમણે પાણી ફેરવી દીધું છે.”
 
જોકે, ઘણા લોકો આ નિવેદનની ટીકા પણ કરી રહ્યા છે.
 
ભારતીય ક્રિકેટર હરભજનસિંહે ખલીફ વિવાદ પર લખ્યું, “મારા મતે આ અયોગ્ય છે. ઑલિમ્પિકમાં આ ઘટના-મૅચનો રિવ્યૂ થવો જોઈએ.”

સંબંધિત સમાચાર

Next Article