ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં વડોદરાના 250 કરતા વધુ લોકો અટવાયા છે. અટવાયેલાઓમાં મોટાભાગની મહિલાઓ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જે ઈઝરાયેલની હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી હતી. બીજી બાજુ, યુદ્ધની સ્થિતિથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. યુદ્ધના લીધે આ વખતે સ્થિતિ વધુ ભયંકર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મૂળ પેટલાદના મીનાક્ષીબેન મેકવાને વીડિયો મોકલ્યો હતો. મીનાક્ષીબેન મેકવાને ત્યાંની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
મીનાક્ષીબેને જણાવ્યું કે, હુમલાખોરોએ ઈઝરાયેલમાં 700 લોકોની હત્યા કરી છે. ઘરના દરવાજા ખોલાવવા બાળકોનો ઉપયોગ કરે છે. હુમલાખોરો બાળકો પાસે દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલતા અંધાધૂંધ ગોળીબાર કરે છે. હથિયાર, ગાડીઓ સાથે હુમલાખોરો ઘૂસ્યા છે. ઘરથી બિનજરૂરી બહાર ન નીકળવા અમને સૂચના છે. શુક્રવારે રજા હતી, ત્યારે અંદાજો પણ નહોતો કે હુમલો થશે. રજાના દિવસે જ મોટો હુમલો થયો હતો. હુમલા બાદ સવારે 6 વાગ્યે સાયરન વાગ્યુ હતુ. ઈમરજન્સીની સ્થિતિમાં એક રૂમ ફાળવીએ છીએ. 10 સેકન્ડમાં જ અમે દાદા-દાદી સાથે રૂમમાં શિફ્ટ થયા હતા. પોતાને સંભાળીએ કે, કામ કરીએ? આવી હતી સ્થિતિ છે.
ઇઝરાયેલમાં ઘણા વર્ષોથી સ્થાયી થયેલા રાજકોટના સોનલબેન ગેડીયાએ ઇઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો હતો. અત્યારે ઘરની બહાર નીકળવું ખૂબ જ જોખમવાળું છે. કોઈ પબ્લિક પ્લેસ પર નીકળવું જીવના જોખમ સમાન છે. ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશનો નાગરિક હોય તેના ઉપર હુમલો કરે છે. આ લોકો કોઈને પણ નામ કે અન્ય વસ્તુ પૂછતા પણ નથી હોતા. લોકો પર સીધા જ ફાયરિંગ કરી દેતા હોય છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા, પરંતુ અત્યારે શાંતિ છે. હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયેલ સરકારે મનાઈ કરી છે. અત્યારે ત્યાં રહેલા લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા છે.