અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં સ્થિત સીએન ફાઈન આર્ટ્સ કોલેજમાં આજે એક વિદ્યાર્થીએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એડમિશન ન આપવામાં આવતા વિદ્યાર્થીએ શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું. દિવાસળી ચાંપે એ પહેલા આસપાસના વિદ્યાર્થીઓએ તેને બચાવી લીધો હતો.
કોલેજના પ્રિન્સિપાલના કહેવા મુજબ વિદ્યાર્થીઓએ અગાઉ મારામારી કરી હતી જેથી એડમિશન આપવામાં આવ્યું નથી.આંબાવાડી સીએન ફાઈન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતા નીતિન સોમપુરા નામનો વિદ્યાર્થી શિલ્પના કોર્સમાં અભ્યાસ કરતો હતો. આ કોર્સ પૂરો થયો બાદ કોલેજમાં ચાલતા આર્ટ ટીચર ડીપ્લોમાના કોર્સમાં એડમીશન લેવા માટે અરજી કરી હતી. નીતિને કોલેજના પ્રિન્સિપાલ જીતુ ઓઘાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ નીતિનને એડમિશન ન આપવું અને અન્ય 2 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવા પ્રિન્સિપાલે જણાવ્યું હતું.
કોલેજમાં અગાઉ એક વિદ્યાર્થી સાથે ઝઘડો થતાં નીતિન અને અન્ય 2 વિદ્યાર્થીએ કોલેજ સમય બાદ વિદ્યાર્થી સાથે મારામારી કરી હતી. જેને લઈને કોલેજ દ્વારા એડમિશન ન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, નીતિન સિવાયના 2 વિદ્યાર્થીનો અભ્યાસ ચાલુ હતો જે બગડે નહીં તે માટે તેમણે એડમિશન રદ ન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. નીતિનને એડમિશન ન આપવા બાબતે કોલેજે નિર્ણય યથાવત રાખ્યો હતો.