શોરૂમ બહાર પડેલા ટ્રેકટરને ચાલુ કરતાં જ ટાયર ચોર પર ફરી વળ્યું છતાં ઊભો થઈ ટ્રેક્ટર લઈને ભાગી ગયો

Webdunia
શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (13:10 IST)
કેટલાક સમયથી ચોરીના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે તાજેતરમાં વધુ એક અનોખો ચોરીનો બનાવ મોડાસાથી સામે આવ્યો. જ્યાં જન્માષ્ટમીની રજાના કારણે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના શોરૂમ બંધ રહેતા હોય છે. એનો લાભ ઉઠાવવા તસ્કર એક ટ્રેક્ટરના શોરૂમમાં તસ્કરી કરવા પહોંચ્યો.

જ્યાં બહાર પાર્ક એક ટ્રેક્ટરને ચાલુ કરીને ભાગવાના પ્રયાસમાં ટ્રેક્ટર એકાએક ચાલુ થઈ ગયું અને એનું તોતિંગ ટાયર તસ્કર પર જ ફરી વળ્યું છતાં તે કેવી હાલતમાં ચોરી કરી ગયો એના CCTV સામે આવ્યા છે. મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલા એક ટ્રેક્ટરના શોરૂમ પર રાત્રિ દરમિયાન એક તસ્કર ટ્રેક્ટરની ચોરી કરવા આવ્યો હતો. આ ઈસમ ટ્રેક્ટર ચોરવા માટે ટ્રેક્ટર ચાલુ કરવા ગયો એ સમયે અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતાં પહેલા તસ્કરનો પગ ટાયરમાં આવી જવાના કારણે નીચે પડી ગયો.

એ બાદ યુવકની છાતી અને પછી મોઢું પણ ટ્રેક્ટરના મોટા ટાયર નીચે દબાયું છતાં ચોરી કરવા આવેલા શખસે હાર ન માનીને લંગડાતો લંગડાતો ફરી ઊભો થયો અને આગળ નીકળી ગયેલા ટ્રેક્ટર સુધી પહોંચવા દોટ મૂકી. ત્યાં પહોંચતાં ફરી ટ્રેક્ટરમાં બેસવાનો પ્રયાસ કરી સ્ટીયરિંગ પર કાબૂ મેળવી એને લઈ પલાયન થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.હજીરા વિસ્તારમાં આવેલા આદર્શ ટ્રેક્ટરના શોરૂમના માલિક પ્રહલાદભાઇ ધનજીભાઇ પટેલે નેત્રમ શાખામાં ટ્રેક્ટરની ચોરી અંગેની ફરિયાદ આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 31 તારીખના રોજ રાતના આશરે 10 વાગ્યે તેમના શોરૂમમાં પાર્ક કરેલું રૂપિયા 2 લાખ 40 હજારનું ટ્રેક્ટર ગુમ થયું હતું. જેની જાણ ફરિયાદીને તારીખ 4/9/2023ના રોજ થઈ હતી, જેથી તેમણે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. નેત્રમ શાખાના કર્મચારીઓએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરાના માધયમથી શોધખોળ હાથ ધરતાં કોઈ શંકાસ્પદ ઈસમ ફરિયાદીનું ટ્રેક્ટર લઈ જતો કેમેરામાં કેદ થયો હતો. એ ઈસમ ટ્રેક્ટર લઈ હજીરાથી શામળાજી તરફ ગયો હતો અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઇસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article