જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં બેનાં મોત, 10 સારવાર હેઠળ
જામનગરના ધરાનગર-2માં તાજિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. તાજિયા દરમિયાન 12 લોકોને વીજ-કરંટ લાગ્યો છે. જેમાં બેના મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માતમ પૂર્વે જ ગોજારી ઘટનાથી માતમ છવાઈ ગયો છે.જામનગરના ધરાનગર-2માં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. ત્યારે તાજિયા 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો. જેથી તાજિયાની નજીક રહેલા 12 યુવાનો વીજ-કરંટ લાગ્યો હતો. જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આશિફ મલેક અને મહંમદ વાહિદ નામના બે યુવાનોના મોત થયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 10 પૈકીના બે યુવાનોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. તાજિયાના જુલૂસ બાદ નિશ્ચિત જગ્યા ઉપર રાખવામાં આવે છે અને બીજા દિવસે માતમ મનાવવામાં આવે છે. આ માતમ પૂર્વે જુલૂસ દરમિયાન જ માતમ છવાઈ જતા શહેરભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ઉચ્ચ અધિકારી જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.