કડીમાં વિફરેલી ગાયે સ્કૂલે જતાં છોકરાને ખુંદી નાંખ્યો, આસપાસના લોકોએ છોકરાને બચાવ્યો

મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (09:40 IST)
કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલા બહુચર માતાજીના મંદિર પાસે આદર્શ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી પર અચાનક જ એક ગાય તૂટી પડતાં તેણે વિદ્યાર્થીને ખૂંદી નાખ્યો હતો. ગાયે વિદ્યાર્થીને અડફેટે લઈને નીચે પછાડ્યો હતો તેમજ પગથી ખૂંદી નાખ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.ગત શનિવારે કડી શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 8માં ભણતો જયદીપ સેધુભા દરબાર નિત્યક્રમ પ્રમાણે શાળાએ જતો હતો. તેના મોટા બાપુજી બાઈક લઈને બહુચર માતાજીના મંદિર પાસે ઉતારવા માટે અગિયાર વાગ્યે આવ્યા હતા અને વિદ્યાર્થી ચાલતો ચાલતો આદર્શ હાઈસ્કૂલ તરફ જતો હતો.

એ સમયે બહુચર માતાજીના મંદિર પાસેથી દોડતી દોડતી આવી રહેલી ગાયે શાળાએ જઈ રહેલા વિદ્યાર્થી પર અચાનક જ હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. ગાયે વિદ્યાર્થીને અડફેટે લઈને નીચે પછાડ્યો હતો અને પગથી ખૂંદી નાખ્યો હતો.ગાયે વિદ્યાર્થી પર હુમલો કરતાં આજુબાજુના રાહદારીઓ ધોકા અને પાઈપ લઈને આવી પહોંચ્યા હતા અને માંડ માંડ વિદ્યાર્થીને ગાયના મારમાંથી છોડાવ્યો હતો. વિદ્યાર્થી ઘાયલ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગાયે વિદ્યાર્થી પર હુમલો કરતાં થોડીક વાર માટે તો આજુબાજુમાં અફરાતફરી મચી ગઈ હતી અને રખડતાં ઢોરોને કાબૂમાં ન લેવા બદલ લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.કડી શહેરમાં રોડ રસ્તા ઉપર ઠેરઠેર અડિંગો જમાવીને બેસેલી ગાયોથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ વારંવાર પાલિકામાં તથા તંત્રને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગાયો રોડ-રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેઠી હોવાથી વાહનચાલકો પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા આ રખડતાં ઢોરોને ક્યારે પાંજરે પૂરશે એની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર