સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે આપઘાતના બનાવો સામે આવ્યા છે, જેમાં એક 18 વર્ષીય યુવતીએ બર્થ ડે પહેલાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. યુવતી પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી. જોકે શાળામાં પરિણામ સારું ન આવ્યું હોવાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી, જ્યારે અન્ય એક બનાવમાં 24 વર્ષીય યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ બંગાળની 18 વર્ષીય શ્રુતિ મુકેશ હાજરા પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી. પિતા ડોક્ટર છે અને ઘરની નજીકમાં જ એક ક્લિનિક ચલાવે છે. પરિવારમાં એક ભાઈ છે. શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી. સુરતની ખ્યાતનામ હોટલમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી, સાથે સાથે ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરતી હતી.
ગતરોજ સાંજે ઘરના બીજા માળે શ્રુતિ પોતાના રૂમમાં હતી. માતા શાકભાજી લેવા બજાર ગયાં હતાં. ભાઈ અગાસી પર હતો. 11 વર્ષનો ભાઈ નીચે રૂમમાં આવ્યો ત્યારે બહેને દરવાજો નહીં ખોલતાં સ્લાઈડિંગ બારીમાંથી અંદર જોતાં બહેન છત સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, જેથી બૂમા બૂમ કરતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં.શ્રુતિ ડોક્ટર પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી. જોકે પરિણામ સારું નહીં આવતાં માનસિક તણાવમાં રહેતી હતી. માર્ચ-2024માં શ્રુતિ ફરી પરીક્ષા આપવાની હતી. એ પહેલાં જ એણે આવું પગલું ભરી દુનિયાને અલવિદા કરી દીધી છે. જ્યોતિનો એક મહિના બાદ જન્મદિવસ આવી રહ્યો હતો, પરંતુ તેને આત્મહત્યાનું પગલું ભરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. અન્ય એક બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના 24 વર્ષીય જિતેન્દ્ર અખાડેએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જિતેન્દ્રના છ મહિના પહેલાં જ પ્રેમ લગ્ન થયા હતા અને પ્રિન્ટિંગ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તો આ યુવકનું આત્મહત્યા પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી.