પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલને ચેક આપીને સરકારે કર્યુ સન્માન

Webdunia
ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (17:05 IST)
ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલનું સરકારે સન્માન કર્યુ છે. રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિના પટેલને ચેક એનાયત કર્યો હતો. ભાવિના પટેલને 3 કરોડનો ચેક એનાયત કરાયો હતો. નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ હતી. પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ગુજરાતની તત્કાલિન વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી આજે 3 કરોડનો ચેક તેને આપવામાં આવ્યો હતો.

ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલને રૂપાણી સરકાર 3 કરોડના ઇનામની જાહેરાત ઉપરાંત સરકારી નોકરી પણ આપવાની જાહેરાત કરી હતી
રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ અંગે પણ ચર્ચા કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.
 
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. અગામી દિવસમાં તે મુદ્દાઓ ચર્ચામાં મુકવામાં આવશે અને આવા અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તૈયારી કરાવવામાં આવશે.
 
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો હતો. ભાવિનાબેન પટેલે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયજ ડી ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવિ હતી. તેણે પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ સુનિશ્ચિત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતનમાં ઉજવણી કરવામાં આવી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article